હવે ટ્રમ્પે બ્રાઝિલ પર ટેરિફ બોમ્બ ફોડ્યો, 50 ટકા ડ્યૂટી લાદી, રાષ્ટ્રપતિ સિલ્વાએ કહ્યું - ટૂંક સમયમાં બદલો લઈશું

10:29 AM Jul 10, 2025 | gujaratpost

વોંશિગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે એક સાથે અનેક દેશો પર ભારે ટેરિફની જાહેરાત કરી હતી. ટ્રમ્પે બ્રાઝિલ અને અન્ય દેશો પર 50 ટકાનો સીધો ટેરિફ લાદીને તેને અત્યાર સુધીની સૌથી કઠિન કાર્યવાહી ગણાવી હતી. ટ્રમ્પે અલ્જીરિયા, ઇરાક, લિબિયા, શ્રીલંકા, બ્રુનેઈ, મોલ્ડોવા અને ફિલિપાઇન્સ પર ટેરિફની જાહેરાત કરી હતી. આ બધા ટેરિફ 1 ઓગસ્ટથી અમલમાં આવશે. ટ્રમ્પ દ્વારા ભારે ટેરિફ લાદવામાં આવ્યાં બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

બ્રાઝિલની પ્રતિક્રિયા

ટ્રમ્પ દ્વારા 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કર્યાના કલાકો પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વાએ આ નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપી અને અમેરિકાને આર્થિક બદલો લેવાની ચેતવણી આપી છે. સિલ્વાએ કહ્યું કે જો અમેરિકા બ્રાઝિલ પર એકપક્ષીય રીતે ટેરિફ વધારશે, તો બ્રાઝિલ પણ તે જ સ્તરે બદલો લેશે. ટ્રમ્પે કહ્યું છે કે આ નિર્ણય બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો સાથે કરવામાં આવી રહેલા વર્તનના સંદર્ભમાં લેવામાં આવ્યો છે. બોલ્સોનારો હાલમાં બળવાનું કાવતરું ઘડવાના આરોપસર ટ્રાયલનો સામનો કરી રહ્યાં છે.

સિલ્વાના કાર્યાલય તરફથી કડક નિવેદન

રાષ્ટ્રપતિ સિલ્વાના કાર્યાલયે ટેરિફના નિર્ણય પર તીવ્ર પ્રતિક્રિયા આપી અને એક નિવેદન બહાર પાડીને કહ્યું, જો કોઈ દેશ એકપક્ષીય રીતે ટેરિફ વધારશે, તો બ્રાઝિલ આર્થિક પારસ્પરિક કાયદા હેઠળ જવાબ આપશે. બ્રાઝિલના આ તીક્ષ્ણ સંદેશથી અમેરિકા અને બ્રાઝિલ વચ્ચે સંભવિત વેપાર યુદ્ધની આશંકા વધુ વધી ગઈ છે. ટ્રમ્પે બ્રાઝિલ પર અમેરિકા સાથે વાજબી વેપાર ન કરવાનો આરોપ લગાવ્યો છે.

સિલ્વાએ X પર શું લખ્યું ?

ટ્રમ્પના નિર્ણય પછી બ્રાઝિલના રાષ્ટ્રપતિ સિલ્વાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, બ્રાઝિલ એક સાર્વભૌમ દેશ છે જેની પોતાની સ્વતંત્ર સંસ્થાઓ છે. અમે કોઈ પણ વિદેશી હસ્તક્ષેપને માન્યતા આપીશું નહીં.

રાષ્ટ્રપતિ સિલ્વાએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બોલ્સોનારો અંગે પણ પોતાનો વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તેમની સામે ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા સંપૂર્ણપણે બ્રાઝિલના ન્યાયતંત્ર હેઠળ છે અને તે કોઈ પણ બાહ્ય દબાણથી પ્રભાવિત થશે નહીં.

બળવાના કાવતરામાં સામેલ લોકો સામે ચાલી રહેલા કેસ આપણા ન્યાયતંત્રના અધિકારક્ષેત્રમાં આવે છે. તેમને કોઈપણ ધમકી કે બાહ્ય હસ્તક્ષેપથી પ્રભાવિત કરી શકાતા નથી.

સિલ્વા ટ્રમ્પના આરોપોને ખોટા ગણાવે છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ પર ટેરિફ લાદવાના પોતાના નિર્ણયને યોગ્ય ઠેરવવાનો આરોપ લગાવ્યો હતો કે બ્રાઝિલે યુએસ ચૂંટણીઓ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કર્યો છે. તેના જવાબમાં બ્રાઝિલના રાષ્ટ્રપતિ સિલ્વાએ ટ્રમ્પના આરોપોને ખોટા ગણાવ્યાં છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++