મુંબઈઃ મહારાષ્ટ્રમાં સત્તાધારી ગઠબંધનમાં સીટોની વહેંચણી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. નેતાઓ સાથે ઓફ રેકોર્ડ વાતચીત બાદ મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી સામે આવી છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર ગઠબંધનમાં સીટોની વહેંચણી પર થયેલી સમજૂતી મુજબ ભાજપ રાજ્યની 288 વિધાનસભા સીટોમાંથી 158 સીટો પર ચૂંટણી લડી શકે છે. જો કે, મહાગઠબંધન કે કોઈ નેતાએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.
મીડિયા અહેવાલો અનુસાર, એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાને વહેંચણી હેઠળ 70 બેઠકો મળી શકે છે, અજિત પવારની NCPને 50 બેઠકોની ઓફર કરવામાં આવી છે. અત્યારે મહાગઠબંધનમાં સીએમ ચહેરાની જાહેરાત નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, ચૂંટણી સુધી માત્ર એકનાથ શિંદે જ ચહેરો રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં આ ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. આ બેઠકમાં મહારાષ્ટ્ર કોર ગ્રુપ ઉપરાંત કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને જેપી નડ્ડા હાજર રહ્યાં હતા.
આ બેઠકમાં મહારાષ્ટ્ર ભાજપ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પણ હાજર હતા. સીટ શેરિંગ અંતર્ગત શિવસેનાએ 90 સીટો અને એનસીપીએ 70 સીટોનો દાવો કર્યો હતો, પરંતુ આ અંગે ભાજપમાં આંતરિક વિરોધ થયો હતો. વિપક્ષી ગઠબંધન પણ બેઠકોની વહેંચણી અંગે ચર્ચા કરી રહ્યું છે અને તેમની વચ્ચે હજુ સુધી અંતિમ સહમતિ બની નથી. મુંબઈ અને નાગપુરની કેટલીક સીટોને લઈને ખેંચતાણ ચાલી રહી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/