બનાસકાંઠામાંથી હવે વાવ-થરાદ નવો જિલ્લો પણ બનાવવામાં આવ્યો
ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકમાં રાજ્યમાં એક સાથે નવી 9 મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી અપાઇ છે. સરકારે વર્ષ 2024-25ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર- વઢવાણ, મોરબી, પોરબંદર- છાયા અને ગાંધીધામ એમ કુલ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.
રાજ્ય મંત્રીમંડળની બેઠકના આ નિર્ણયની માહિતી આપતાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @ 2047ના દૂરંદેશી સ્વપ્નને સાકાર કરવા અર્નિંગ વેલ અને લિવિંગ વેલના ધ્યેય પાર પાડીને વિકસિત ગુજરાત @ 2047ના વિઝનને સાર્થક કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રતિબદ્ધ છે.
વિકાસના એન્જીન ગુજરાતમાં હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગર મળી કુલ - 8 મહાનગરપાલિકાઓ કાર્યરત છે. આ પૈકી જૂનાગઢ મહાનગરપાલિકાની વર્ષ 2002માં અને ગાંધીનગર મહાનગરપાલિકાની વર્ષ 2010માં રચના કરવામાં આવી હતી.
ત્યારબાદ લગભગ 14 વર્ષ બાદ આ નવી 9 મહાનગરપાલિકાઓની રચના થઈ રહી છે. તેના પરિણામે રાજ્યમાં હાલની મહાનગરપાલિકાઓની સંખ્યા કરતા બે ગણી એટલે કે 17 મહાનગરપાલિકાઓ અસ્તિત્વમાં આવી છે. ગુજરાતના શહેરી વિકાસમાં આ એક ઐતિહાસિક ઘટના છે તેનો વિશેષ ઉલ્લેખ પ્રવક્તા મંત્રીએ કર્યો હતો.
નીતિ આયોગની સિટીઝ એઝ એન્જિન્સ ઓફ ગ્રોથ સંકલ્પના સાર્થક કરવા પ્રમાણમાં મોટા શહેરી વિસ્તારોનું ભવિષ્યલક્ષી આયોજન અને સુચારૂ વહીવટતંત્ર સ્થાપી શકાય તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની રચના કરીને તેમાં વિકાસલક્ષી કામો અને વહીવટીતંત્રમાં અસરકારકતા તેમજ પારદર્શિતા સુનિશ્ચિત કરવામાં આવી છે.
આ સંદર્ભમાં આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો મળતાં હવે રાજ્યમાં મહાનગરપાલિકાઓની સંખ્યા 17 અને નગરપાલિકાઓની સંખ્યા 149 થશે.
રાજ્યમંત્રી મંડળના નિર્ણય અનુસાર નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નવસારી મહાનગરપાલિકા બનશે.
ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.
મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને મોરબી મહાનગરપાલિકા બનશે.
વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને વાપી મહાનગરપાલિકા બનશે.
આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને આણંદ મહાનગરપાલિકા બનશે.
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતોના કેટલાક સર્વે નંબરવાળા વિસ્તારો સમાવિષ્ટ થઇને મહેસાણા મહાનગરપાલિકા બનશે.
સુરેન્દ્રનગર/ દૂધરેજ/ વઢવાણ નગરપાલિકા તેમજ ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બનશે.
પોરબંદર/ છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનશે.
નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.
રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતમાં નવા જિલ્લા અને નવી મહાનગરપાલિકાઓની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, તે જનહિતકારી ગુડ ગવર્નન્સની દિશામાં ખૂબ અગત્યનો બની રહેશે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 1, 2025
જે અંતર્ગત, બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને નવા વાવ-થરાદ જિલ્લાની રચના કરવાનો નિર્ણય કર્યો છે. નાગરિકોને…
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/