વીડિયો અને સ્યૂસાઇટ નોટમાં ચોંકાવનારા ખુલાસા
રૂ. 20 લાખની માંગણી અને હનીટ્રેપનો આક્ષેપ
બનાસકાંઠાઃ થરાદ તાલુકાના વજગેઢ ગામમાં સાંતલપુરના મામલતદાર ડી.ડી.પંડ્યાએ મોડી રાત્રે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ હતી. હાલ તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, તેઓ પાલનપુર ખાતે સારવાર હેઠળ છે. આત્મહત્યાના પગલાં પહેલાં તેમણે એક સ્યૂસાઇટ નોટ અને વીડિયો જાહેર કરી ગંભીર આક્ષેપો કર્યા છે.
મામલતદારે આપઘાતનો પ્રયાસ કરતા પહેલા બનાવેલા વીડિયોમાં જણાવ્યું હતું કે, તેમના જ ભાણેજ કિશન બેચરભાઈ પંડ્યા છેલ્લા ચાર વર્ષથી તેમને માનસિક ત્રાસ આપી રહ્યાં છે. ભાણેજે તેમની વિરુદ્ધ 8થી 10 ખોટી અરજીઓ કરી તપાસમાં ફસાવવાનો પ્રયત્ન કર્યો હતો.
વીડિયોમાં મામલતદારે 6 લોકોના નામ આપ્યા છે, જેમાં ભાણેજ સહિત અન્ય લોકો સામેલ છે. તેમના આક્ષેપ મુજબ, આ ગેંગ દ્વારા ખોટા ફોટા બનાવી તેમને બદનામ કરવાની ધમકી આપવામાં આવે છે. મામલતદાર પાસે સમાધાનના નામે રૂ. 20 લાખની ખંડણી માંગવામાં આવી હતી. ACBમાં ખોટી ફરિયાદ કરી નોકરી પર જોખમ ઊભું કરવાની ધમકીઓ અપાતી હતી.
મામલતદારે જણાવ્યું કે વજગેઢ ગામના અશારામ શંકરભાઈ વાઘેલા (ક્લાર્ક) એ તેમને ફોન કરીને તુલસી ગોહિલ અને અનિલ ગોહિલ પાસે સમાધાન કરવા મોકલ્યા હતા. ઉપરાંત માનસિંગભાઈ દરજી અને સોનલબેન પ્રજાપતિ નામના વ્યક્તિઓ પણ આ ષડયંત્રમાં સામેલ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
આ ઘટનાની જાણ થતાં જ થરાદ પોલીસ અને સ્થાનિક મામલતદાર ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે સ્યૂસાઇટ નોટ અને વીડિયોને આધારે પુરાવા એકઠા કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++