ગાંધીનગરઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયા ફરી એકવાર ચર્ચામાં છે, પરંતુ આ વખતે કોઈ ગીતને કારણે નહીં પણ પ્રેમલગ્નને લઈને સર્જાયેલા વિવાદને કારણે. કાજલે પરિવારની જાણ બહાર લગ્ન કરી લીધા હોવાના સમાચાર વહેતા થતા મહેરિયા પરિવાર અને સમાજના આગેવાનોમાં રોષ જોવા મળ્યો છે.
થોડા દિવસ પહેલા કાજલ મહેરિયાના ભાઈ સંદીપભાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે કાજલે પરિવાર કે સમાજને વિશ્વાસમાં લીધા વગર લગ્ન કર્યા છે. આ મામલે તેમણે સમાજ પાસે મદદ માંગી હતી. રવિવારે કાજલના પરિવારજનો અને સમાજના આશરે 70 જેટલા લોકોનો કાફલો ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યો હતો. પરિસ્થિતિ તંગ બનતા કાજલના પતિએ 112 પર ફોન કરી પોલીસની મદદ માંગી હતી.
અડાલજ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બંને પક્ષોને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.ત્યાં કાજલે પોતે લગ્ન કર્યા હોવાનું સ્વીકારીને ટૂંક સમયમાં મેરેજ સર્ટિફિકેટ રજૂ કરવાની તૈયારી દર્શાવી. અડાલજ પોલીસના જણાવ્યા અનુસાર, પરિવાર માત્ર લગ્નની સત્યતા જાણવા આવ્યો હતો અને હાલ કોઈ લેખિત ફરિયાદ નોંધાઈ નથી.
આ મામલે અલ્પેશ ઠાકોરના ભાઈ રાહુલ ઠાકોરે જણાવ્યું કે, કાજલ અને તેનો સાથી છેલ્લા 6-7 મહિનાથી અમદાવાદમાં સાથે રહે છે. રવિવારે જ્યારે 20-25 લોકો આવ્યાં હતા, ત્યારે તેમણે ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે, તમારા છોકરાને વાળી લો, ભલે અમારી છોકરી મરી જતી. આ મામલે તેમણે પોલીસમાં ફરિયાદ પણ કરી છે.