વડોદરામાં જૈશ- એ- મોહમ્મદના સ્લીપર સેલ નેટવર્કનો પર્દાફાશ, હોટલમાં કાશ્મીરી આતંકી સાથે યોજાઈ હતી સીક્રેટ મીટિંગ

06:02 PM Jul 22, 2026 | gujaratpost

  • સયાજીગંજની એમ્બેસેડર હોટલમાં રહસ્યમય રોકાણ
  • કાશ્મીરી આતંકી સાથે ગુપ્ત બેઠક અને યુવકોને ભ્રમિત કરવાનું કાવતરું
  • હોટલ મેનેજર દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા

વડોદરાઃ ગુજરાત ATS દ્વારા જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ આતંકી મોડ્યુલ સામે ચલાવવામાં આવેલા મોટો ઓપરેશન દરમિયાન વડોદરા કનેક્શન સામે આવતાં ચકચાર ગઈ છે. આ મામલે ATS દ્વારા બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 13 આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી.

તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે કે મુખ્ય આરોપી અહમદ ગાજીવાલા અને ઈબ્રાહિમ ઘઘા વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા. આ મહત્વપૂર્ણ પુરાવા મળતાં જ ATSની ટીમે આરોપી અહમદ ગાજીવાલાને સાથે રાખીને હોટલ પર દરોડા કર્યાં હતા. 

પ્રાથમિક તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ,  વડોદરા રેલવે સ્ટેશન નજીક એક કાશ્મીરી આતંકી સાથે જૈશ-એ-મોહમ્મદના સભ્યોની ગુપ્ત બેઠક યોજાઈ હતી. સ્થાનિક યુવકોને આતંકી સંગઠન સાથે જોડવા અને તેમનામાં કટ્ટરપંથી વિચારોનું વિષ ભરવા આ બેઠકમાં વ્યૂહરચના ઘડાઈ હતી. આરોપીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી કટ્ટરપંથી સાહિત્ય, વીડિયો અને વાંધાજનક સામગ્રી શેર કરીને યુવકોને ગેરમાર્ગે દોરતા હતા.

એમ્બેસેડર હોટલના મેનેજર સફવાન શાજીએ સમગ્ર મામલે માહિતી આપતાં જણાવ્યું કે, હોટલ મેનેજમેન્ટને આ આરોપીઓની ઓળખ વિશે કોઈ જ જાણકારી ન હતી અને હોટલમાંથી કોઈ વાંધાજનક સામગ્રી મળી આવી નથી.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે જે કર્મચારીને આરોપી ઓળખતો હતો તે હાલ રજા પર છે. ATS દ્વારા સ્ટાફની સામાન્ય પૂછપરછ કરવામાં આવી હતી અને સ્ટાફે પણ આ વ્યક્તિને પ્રથમ વખત જોયો હોવાનું સ્પષ્ટ કર્યું છે.

હાલ તપાસ એજન્સીઓ આ સ્લીપર સેલના મૂળ સુધી પહોંચવા મહેનત કરી રહી છે. અને ટૂંક સમયમાં વધુ ધરપકડ થાય તેવી શક્યતા છે.