ફરી યુદ્ધ ભડક્યું: ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પર અમેરિકાના હુમલા, એક જ દિવસમાં બીજી વખત એટેક

06:28 PM Jul 13, 2026 | gujaratpost

તેહરાનઃ ઈરાનમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને જંગ હવે પહેલાની જેમ જ ભડકી ઉઠી છે. એક જ દિવસમાં બીજી વખત બંદર અબ્બાસ અને કેશમ આઈલેન્ડ પર હુમલા થયા છે. ઈરાનના અબદાન શહેરમાં ત્રણ જગ્યાઓ પર મિસાઈલો ત્રાટકી છે. ઈરાન પર સોમવારે આ બીજો હુમલો છે. ઈરાનના બંદર અબ્બાસ અને કેશમ પોર્ટ નજીક ફરી એકવાર પ્રચંડ વિસ્ફોટ થયા છે. ઈરાનની 'મેહર ન્યૂઝ એજન્સી'એ આ માહિતી આપી છે.

અમેરિકી હુમલામાં ઈરાનમાં બે લોકોનાં મોત થયા છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. અમેરિકી હુમલામાં ઈરાનના અબદાનમાં ત્રણ જગ્યાએ મિસાઈલો પડી હતી. ખુઝેસ્તાનના ડેપ્યુટી ગવર્નરે જણાવ્યું કે, સોમવારે સ્થાનિક સમય અનુસાર બપોરે 1.45 વાગ્યે અબદાન સિટીને નિશાન બનાવવામાં આવ્યું હતું, જેમાં બે લોકોના મોત થયા છે.

આ હુમલાના જવાબમાં ઈરાને જોર્ડન, ઓમાન, બહેરીન અને કુવૈતમાં આવેલા અમેરિકી સૈન્ય મથકો પર હુમલો કર્યો હતો. આ જવાબી હુમલામાં અમેરિકાના ફ્યુઅલ ડેપો, દારૂગોળાના બંકરો, પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ અને ડ્રોન કમાન્ડ સેન્ટર નષ્ટ કરી દેવામાં આવ્યાં છે.