નિજ્જર હત્યા કેસમાં પકડાયેલો શંકાસ્પદ સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો કેનેડા, પંજાબના બઠિંડા સાથે છે સંબંધ- Gujarat Post

02:04 PM May 09, 2024 | gujaratpost

ટોરેન્ટોઃ ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાના આરોપમાં કેનેડામાં ધરપકડ કરાયેલા ત્રણ યુવકોમાંથી એક સ્ટુડન્ટ વિઝા પર કેનેડા ગયો હતો. કેનેડિયન મીડિયાએ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં એક આરોપી કરણ બ્રાર કહેતો જોવા મળી રહ્યો છે કે તે સ્ટડી વિઝા પર કેનેડા આવ્યો હતો અને તેને કેનેડાના વિઝા મળવામાં વધુ સમય પણ લાગ્યો ન હતો.

કરણ બ્રારનો વીડિયો વર્ષ 2019નો હોવાનું કહેવાય છે. કરણે એથિકવર્કસ ઈમિગ્રેશન સર્વિસિસ, ભટિંડા દ્વારા વિઝા માટે અરજી કરી હતી. આ વીડિયો ઈમિગ્રેશન સેવાઓ આપતી એજન્સીના પ્રચાર માટે બનાવવામાં આવ્યો હતો. આ એજન્સી ભટિંડાના કોટકપુરા વિસ્તારમાં આવેલી છે. કરણના આ વીડિયોને લઈને કેનેડા સરકાર મુશ્કેલીમાં છે. મીડિયાએ કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરને આ વિશે પૂછ્યું, પરંતુ તેમણે જવાબ આપવાનો ઈન્કાર કર્યો.

કરણ બ્રારના એક કથિત ફેસબુક પેજ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેણે 30 એપ્રિલ, 2020 ના રોજ બો વેલી કોલેજ, કેલગરીમાં અભ્યાસ શરૂ કર્યો અને 4 મે, 2020 ના રોજ એડમોન્ટન શિફ્ટ થયો. કેનેડિયન મીડિયાએ ડિપાર્ટમેન્ટ ઓફ ઈમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપને કરણ અંગે પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ હજુ સુધી વિભાગો દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. ત્રણેય આરોપી યુવકોને બ્રિટિશ કોલંબિયાના સરેની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. દરમિયાન મોટી સંખ્યામાં શીખ સમુદાયના લોકો પણ હાજર હતા, જેમાં કેટલાક ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી નારા પણ લગાવ્યાં હતા.

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની ગયા વર્ષે સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિજ્જરને ભારતમાં આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી છે. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ ભારત પર નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે. જો કે, ભારત સરકારે ટ્રુડોના દાવાને વાહિયાત ગણાવીને ફગાવી દીધો હતો. ગયા અઠવાડિયે જ કેનેડાએ નિજ્જરની હત્યાના આરોપમાં ત્રણ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526