+

ટેરિફ પર અમેરિકન કોર્ટના ચૂકાદા બાદ ભારત સરકારે શું કહ્યું ?

નવી દિલ્હીઃ ભારત સરકારે જણાવ્યું કે, તે ટેરિફ અંગે અમેરિકી સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદા અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાંની અસરોનું આકલન કરી રહી છે. ગઈકાલે અમેરિ

નવી દિલ્હીઃ ભારત સરકારે જણાવ્યું કે, તે ટેરિફ અંગે અમેરિકી સુપ્રીમ કોર્ટના તાજેતરના ચૂકાદા અને ત્યારબાદ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલા પગલાંની અસરોનું આકલન કરી રહી છે. ગઈકાલે અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અનેક દેશો પર લાદવામાં આવેલા ટેરિફને 'ગેરકાયદેસર' ગણાવ્યો હતો.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત સરકાર અમેરિકાના ટેરિફ સંબંધિત ઘટનાક્રમ અને તેની સંભવિત અસરોનો અભ્યાસ કરી રહી છે. મંત્રાલયે શુક્રવારે આવેલા અમેરિકી સુપ્રીમ કોર્ટના ચૂકાદા અને આ સંદર્ભમાં ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રાલયે જણાવ્યું કે, અમે ગઈકાલે ટેરિફ પર અમેરિકી સુપ્રીમ કોર્ટના ચૂકાદાની નોંધ લીધી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વિષય પર પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી છે. મંત્રાલયે વધુમાં ઉમેર્યું કે, અમેરિકી પ્રશાસન તરફથી કેટલાક પગલાંની જાહેરાત કરવામાં આવી છે. અમે આ તમામ ઘટનાક્રમો અને તેની અસરોનો અભ્યાસ કરી રહ્યાં છીએ.

સરકારે જણાવ્યું કે તે આ ઘટનાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે જેથી તેની સંભવિત અસરને સમજી શકાય. સરકારનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકી સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફને 'ગેરકાયદેસર' જાહેર કર્યા હતા. જોકે, ટ્રમ્પે  જણાવ્યું હતું કે તેમણે તમામ દેશોમાંથી થતી આયાત પર 10 ટકા ટેરિફ લાદવા સંબંધિત એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, મને એ જણાવતા ગર્વ થાય છે કે મેં ઓવલ ઓફિસથી તમામ દેશો પર વૈશ્વિક 10 ટકા ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે, જે લગભગ તાત્કાલિક અસરથી લાગુ થશે.

શુક્રવારે અમેરિકી સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પ શાંતિના સમયમાં પાંચ દાયકા જૂના ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટનો ઉપયોગ કરીને ટેરિફ લાદી શકે નહીં. આ ચૂકાદાથી ભારત પર લાદવામાં આવેલા 18 ટકા રેસિપ્રોકલ ટેરિફનો કાનૂની આધાર ખતમ થઈ ગયો હતો.

આ કાનૂની ફેરફાર બાદ ભારત પરનો ટેરિફ ઘટીને 3.5 ટકા થઈ શક્યો હોત, જે ટ્રમ્પના અગાઉના પગલાં પહેલાં 'મોસ્ટ ફેવર્ડ નેશન દરજ્જા હેઠળ લાગુ હતો. જોકે, ટ્રમ્પે તાત્કાલિક પગલાં લેતા શનિવાર સુધીમાં નવો આદેશ જારી કરી ભારત સહિત તમામ દેશો પર 10 ટકા ટેરિફ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ માટે તેમણે સેક્શન 122 નામના ઓછા વપરાતા કાયદાનો સહારો લીધો છે. આ કાયદો અમેરિકી રાષ્ટ્રપતિને 150 દિવસ માટે મહત્તમ 15 ટકા સુધી ટેરિફ લાદવાની મંજૂરી આપે છે, ત્યારબાદ તેના પર કોંગ્રેસની મંજૂરી મેળવવી આવશ્યક બને છે.

facebook twitter