સુરતઃ ભારતમાં પરિવહન ક્ષેત્રે એક ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. મુંબઈ-દિલ્હી નેશનલ હાઈવે (NH48) પર સુરત અને ભરૂચ વચ્ચે આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે દેશની પ્રથમ બેરિયર-ફ્રી ( સિસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. હવે વાહનચાલકોએ ટોલ ભરવા માટે વાહન રોકવું નહીં પડે, પરંતુ ચાલુ ગાડીએ જ ઓટોમેટિક ટેક્સ કપાઈ જશે.
આ સિસ્ટમ સંપૂર્ણપણે આધુનિક ટેકનોલોજી પર આધારિત છે. તાઈવાનની ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં વાહનોની નંબર પ્લેટ સ્કેન કરવા માટે તાઈવાનની અત્યાધુનિક ટેકનોલોજી અને ANPR (ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન) કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અહીં કોઈ આડા બેરિયર રાખવામાં આવ્યા નથી, જેથી ટ્રાફિક અવિરત ચાલુ રહેશે.
વાહન પસાર થતાં જ તેના ફાસ્ટેગ, નંબર પ્લેટ અને ચેસિસ નંબરના આધારે લિંક થયેલા ખાતામાંથી નિર્ધારિત રકમ આપોઆપ ડેબિટ થઈ જશે. આ સિસ્ટમ અમલમાં મૂકતા પહેલા 2 ફેબ્રુઆરીથી બે મહિના સુધી તેનું સઘન ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.
આ નવી વ્યવસ્થાથી માત્ર સમયની બચત જ નહીં, પરંતુ ઇંધણના વ્યય અને ટ્રાફિક જામની જટિલ સમસ્યામાંથી પણ મુક્તિ મળશે. વહીવટી તંત્ર દ્વારા સ્થાનિક લોકોના હિતમાં વિશેષ પાસની સુવિધા પણ આપવામાં આવી છે. ટોલનાકાની 20 કિમીની ત્રિજ્યામાં રહેતા લોકો માટે ₹350નો માસિક પાસ તથા નિયમિત મુસાફરો માટે ₹3,075નો વાર્ષિક પાસ ઉપલબ્ધ છે.
ચોર્યાસી ટોલ પ્લાઝા એ માત્ર શરૂઆત છે. 2026ના અંત સુધીમાં દેશભરના 1,050થી વધુ ટોલ પ્લાઝાને આવી AI આધારિત બેરિયર-ફ્રી સિસ્ટમમાં પરિવર્તિત કરનો ભારત સરકારનો લક્ષ્યાંક છે.