રાજકોટઃ જિલ્લાના ભાયાવદર પંથકમાં આજે તંત્રએ ગુનાખોરી ડામવા માટે લાલ આંખ કરી હતી. પડવલા ગામના કુખ્યાત શખ્સ અલીમામદ તૈયબ શેઠા દ્વારા સરકારી જમીન પર ખડકાયેલા ₹1 કરોડના ગેરકાયદે આલીશાન બંગલા પર આજે વહીવટી તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું.
આ કાર્યવાહીના મૂળ 30 માર્ચ, 2026ના રોજ બનેલી એક ઘટનામાં છે. પડવલા ગામના દીપેનભાઈ માકડીયા પર આરોપી અલીમામદ શેઠા, તેના પુત્ર અને અન્ય શખ્સોએ થાર ગાડીથી ટક્કર મારી, બેઝબોલના ધોકા અને પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ભાયાવદર પોલીસે હત્યાની કોશિશનો ગુનો નોંધી નોમાન શેઠા સહિત 5 શખ્સો અને એક સગીરની ધરપકડ કરી હતી. મુખ્ય આરોપી અલીમામદ શેઠા હજુ પણ ફરાર છે.
રાજકોટ રેન્જ IG નિર્લિપ્ત રાય અને SP વિજય સિંહ ગુર્જરની સૂચનાથી આરોપીની ગેરકાયદે મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ પડવલા ગામે માખીયાળા રોડ પર સરકારી જમીનમાં 300 ચોરસ વાર જગ્યામાં આશરે ₹1 કરોડની કિંમતનો આલીશાન બંગલો ગેરકાયદેસર રીતે બનાવ્યો હતો.
તંત્ર દ્વારા અગાઉ નોટિસ આપવા છતાં દબાણ ન હટાવતા, આજે 2 મેના રોજ મામલતદારની ટીમ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું. 13 જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ આરોપી વિરુદ્ધની આ કાર્યવાહીથી પંથકના માથાભારે તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ASP સિમરન ભારદ્રાજ અને પોલીસની ટીમે આ ઓપરેશન પાર પાડીને સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.