+

જગદીશ વિશ્વકર્માના ગેનીબેનના સાડીના પાલવ વાળા નિવેદનથી બનાસકાંઠામાં ભારે રોષ

બનાસકાંઠાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી જ્વલંત વિજય મેળવ્યો છે. આ જીતની ઉજવણી કરવા માટે પાલનપુરના ચડોતર ખાતે વિજય વિશ્વાસ સંમેલન

બનાસકાંઠાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠામાં કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડી જ્વલંત વિજય મેળવ્યો છે. આ જીતની ઉજવણી કરવા માટે પાલનપુરના ચડોતર ખાતે વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ સંમેલન જીતના ઉત્સાહ કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના એક નિવેદનને કારણે વધુ ચર્ચામાં આવ્યું છે.

સંમેલનમાં સંબોધન કરતા જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને વડગામના ધારાસભ્ય પર સીધું નિશાન સાધ્યું હતું. તેમણે ગેનીબેન પર પ્રહાર કરતા કહ્યું કે, બનાસની બહેન, તમે લોકસભામાં જઈને નારી વંદના અધિનિયમનો વિરોધ કરીને દેશની બહેનોનું અપમાન કર્યું છે. તેનો જ જવાબ આપતા આ વખતે અમારી બહેનોએ તમારા ગઢમાંથી સીટો તમારા સાડીના પાલવમાંથી આંચકી લીધી છે.

ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ઉપર પણ આક્ષેપો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે, વડગામમાં ભાજપે જીત મેળવી છે, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં પણ વાવ અને થરાદ જેવી બેઠકો કોંગ્રેસ પાસેથી ભાજપે કબજે કરી લીધી હતી.કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા રાજકીય માહોલ ગરમાવ્યો છે.

જગદીશ વિશ્વકર્માના સાડીના પાલવ વાળા નિવેદન બાદ ઠાકોર સમાજ અને સ્થાનિક સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. થરાદમાં યોજાયેલા એક સમૂહ લગ્નમાં ઋષિ ભારતી બાપુએ આ નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે મંચ પરથી હુંકાર કરતા જણાવ્યું હતું કે, "રાજકીય પક્ષના પ્રમુખોને શું બોલવું તેનું ભાન નથી. નારીના પાલવ સુધી વાત કરવી એ અભદ્ર વ્યવહાર અને માતૃશક્તિનું અપમાન છે." તેમણે સમગ્ર સમાજને આ અપમાન સામે વિરોધ પ્રદર્શિત કરવા અપીલ પણ કરી છે.

એક તરફ ભાજપ બનાસકાંઠામાં પોતાની પકડ મજબૂત કરી હોવાનો દાવો કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ પ્રદેશ પ્રમુખના આ વિવાદિત નિવેદને આગામી સમયમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઊભી કરી શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.

facebook twitter