પતિ, પત્ની અને વો...પહેલા ઊંઘની ગોળીઓ આપી અને પછી પ્રેમી સાથે મળીને કુહાડીથી હત્યા કરી

08:30 PM Mar 19, 2026 | gujaratpost

બનાસકાંઠાઃ જિલ્લાના થરાદ તાલુકાના કરબુન ગામમાં એક સનસનાટીભર્યો હત્યાનો કિસ્સો સામે આવ્યો છે, જેણે પતિ-પત્નીના સંબંધો પર  સવાલો ઉભા થયા છે. એક પત્નીએ તેના પ્રેમી અને બહેન સાથે મળીને પોતાના જ પતિની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે સમગ્ર હત્યાકાંડ પકડી પાડીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. 

અવૈધ સંબંધોને કારણે પતિની હત્યા

પોલીસના જણાવ્યાં મુજબ, મૃતકની ઓળખ રણછોડજી દરબાર તરીકે થઈ છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેમની પત્ની ધર્મિબાને તે જ ગામના ભાણાભાઈ માજીરાણા સાથે પ્રેમ સંબંંધો હતા. રણછોડજીને આ સંબંધની જાણ થઈ હતી, જેના કારણે પરિવારમાં વિવાદ થતો હતો.

ઊંઘની ગોળીઓ ખાધાને પછી કુહાડીનો હુમલો

પત્ની અને તેના પ્રેમીએ રણછોડજીને મારી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. યોજનાના ભાગ રૂપે, એક રાત્રે રાત્રિ ભોજન દરમિયાન ધર્મિબાએ તેના પતિના ખોરાકમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી. જ્યારે રણછોડજી ગાઢ નિંદ્રામાં સરી પડ્યાં હતા, ત્યારે તેનો પ્રેમી ભાણાભાઈ ઘરમાં ઘૂસી ગયો અને તેમના પર કુહાડીથી હુમલો કર્યો હતો. રણછોડજીનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું. 

લાશ છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ધર્મિબાની બહેન આનંદાબા પણ આ ગુનામાં સામેલ હતી. હત્યા પછી આરોપીઓએ લાશ છુપાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેઓ નિષ્ફળ રંહ્યા ત્યારે તેમને રણછોડજીના મૃતદેહને પાછો પલંગ પર મૂકી દીધો હતો. જો કે, પોલીસને આ ઘટના શંકાસ્પદ લાગી અને ઊંડી તપાસમાં કાવતરું બહાર આવ્યું હતુ. પૂછપરછ દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો. 

થરાદ પોલીસે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. આ ઘટના બાદ સમગ્ર ગામમાં ગભરાટ અને આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. આ ઘટનાથી લોકો ચોંકી ગયા છે.