+

ઓગસ્ટમાં ચોમાસુ તીવ્ર રહેશે, ઘણા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, રેડ અલર્ટ જારી

ગાંધીનગરઃ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ચોમાસાની ગતિ વધુ ઝડપી થવાની ધારણા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશમાં વરસાદની ખાધ ઘટીને 14 ટકા થઈ ગઈ છે, જે પાછલા અઠવાડિયા કરતા ઘણી સારી સ્થિતિ છે. મહારાષ્ટ્ર પર

ગાંધીનગરઃ ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં ચોમાસાની ગતિ વધુ ઝડપી થવાની ધારણા છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, દેશમાં વરસાદની ખાધ ઘટીને 14 ટકા થઈ ગઈ છે, જે પાછલા અઠવાડિયા કરતા ઘણી સારી સ્થિતિ છે. મહારાષ્ટ્ર પર બનેલું ડીપ ડિપ્રેશન મોસમનું સૌથી મજબૂત હવામાન તંત્ર બની ગયું છે અને અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી મોટા પ્રમાણમાં ભેજ ખેંચી રહ્યું છે.

ગુજરાત, હિમાચલ પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. ગુજરાતમાં સેનાને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, અમદાવાદમાં શાળાઓ બંધ રાખવામાં આવી છે. દિલ્હી, ગુરુગ્રામ, અલવર, બુલંદશહેર, લુધિયાણા અને બિહારમાં પાણી ભરાઈ જવા અને ધોવાણના અહેવાલો મળ્યાં છે. જમ્મુ અને કાશ્મીરમાં શુક્રવાર માટે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા નાવકાસ્ટ મુજબ ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથ, દીવ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આગામી 3 કલાક દરમિયાન ભારે વરસાદ પડવાની સાથે ગાજવીજ અને 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

જ્યારે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, મહિસાગર અને અરવલ્લી જિલ્લામાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં, ગાજવીજ અને પવનની અસર જોવા મળી શકે છે.

તાજેતરના IMD અહેવાલ મુજબ, દેશભરમાં ચોમાસું નબળું પડવાને બદલે મજબૂત થઈ રહ્યું છે. મધ્ય ભારત અને ઉત્તરપશ્ચિમ ભારતમાં હવે સામાન્ય વરસાદ પડી રહ્યો છે, જ્યારે દક્ષિણ દ્વીપકલ્પ અને ઉત્તરપૂર્વ ભારતમાં વરસાદની અછત રહી છે. 

મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં છેલ્લા અઠવાડિયામાં વરસાદમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો છે. હવામાનશાસ્ત્રીઓ કહે છે કે બંગાળની ખાડીમાં ટૂંક સમયમાં એક નવું નીચા દબાણનું ક્ષેત્ર બનવાની ધારણા છે, જે ઓગસ્ટની શરૂઆતમાં વરસાદી ઋતુ ચાલુ રાખશે. જો આ વલણ ચાલુ રહેશે, તો જળાશયોમાં પાણીનું સ્તર વધશે, જેનાથી ખરીફ પાકને ફાયદો થશે.

ગુજરાતમાં, 31 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી 13 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. અમદાવાદમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં આવી છે. સુરત, વડોદરા, ભાવનગર, ભરૂચ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ અને મહિસાગર પણ હાઇ એલર્ટ પર છે

ગાંધીનગરમાં, અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરી હતી, અને તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે, અને NDRF અને SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. રાહત કામગીરી માટે સેના, નૌકાદળ અને વાયુસેનાને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે.

facebook twitter