+

અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ઉમરપાડામાં 10 ઇંચ વરસાદથી જળબંબાકાર

બપોરે 2 વાગ્યા સુધીમાં 125 તાલુકાઓમાં વરસાદ  અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો સવારથી 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું

  • બપોરે 2 વાગ્યા સુધીમાં 125 તાલુકાઓમાં વરસાદ 
  • અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
  • સવારથી 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ

અમદાવાદઃ રાજ્યભરમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ચોમાસાની તોફાની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ભારે પવન અને કડાકા- ભડાકા સાથે મુસળધાર વરસાદ વરસી રહ્યો છે.

અમદાવાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું હતું, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં આજે અને આવતીકાલે અત્યંત ભારે વરસાદની સંભાવનાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને નાગરિકોને કામ વગર બહાર ન નીકળવા તેમજ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

શહેરના સી જી રોડ, પંચવડી, સેટેલાઈટ, પ્રહલાદનગર અમરાઈવાડી, રામોલ, વટવા, જુહાપુરા, સરખેજ, ગોતા, ચાંદલોડિયા, નરોડા અને બાપુનગર જેવા તમામ વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદા કારણે  મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને વાહનવ્યવહાર ધીમો પડ્યો છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યમાં મેઘરાજા ધમરોળી રહ્યાં છે. રાજ્યના 9 જેટલા તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતાં ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. નવસારીમાં માત્ર 15 જ મીનિટના ધોધમાર વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. વડોદરા અને ભરૂચમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં છે.

રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવીએ ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી. તેમણે રાહત કમિશનર ગૌરાંગ મકવાણા પાસેથી પરિસ્થિતિની સમીક્ષા કરી અને કંટ્રોલ રૂમની મુલાકાત લઈને તમામ ટીમોને 24×7 એલર્ટ મોડ પર રહી અસરકારક કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

facebook twitter