- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો
- આવતા સપ્તાહે અમિત શાહની મુલાકાત સમયે જાહેર થઈ શકે છે મેયર
અમદાવાદઃ રાજ્યની 15 મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય તો મેળવી લીધો છે, પરંતુ હવે જીત પછી પદાધિકારીઓની પસંદગીમાં ભારે પેચ ફસાયો હોય તેવું લાગી રહ્યું છે. ચૂંટણીના પરિણામો જાહેર થયાને 16 દિવસ વીતી ગયા હોવા છતાં, પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ હજુ સુધી નામો નક્કી કરી શક્યું નથી.
ભાજપના છેલ્લા 10 વર્ષના ઈતિહાસ પર નજર કરીએ તો, સામાન્ય રીતે પરિણામના બે સપ્તાહની અંદર જ મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નામો જાહેર થઈ જતાં હોય છે. 2015માં અમદાવાદમાં 2 ડિસેમ્બરે પરિણામ આવ્યા બાદ માત્ર 12 દિવસમાં (14 ડિસેમ્બર) ગૌતમ શાહે મેયર તરીકે પદ ગ્રહણ કર્યું હતું. 2021માં કોરોનાની ગંભીર સ્થિતિ હોવા છતાં માત્ર 14 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી દેવાઈ હતી. 23 ફેબ્રુઆરીએ પરિણામ બાદ 10 માર્ચે કિરીટ પરમાર મેયર બન્યા હતા. 2026માં આ વખતે 28 એપ્રિલે પરિણામ આવ્યા બાદ આજે 14 મે થઈ હોવા છતાં (16 દિવસ) હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની ચાર દિવસ સુધી સળંગ બેઠકો ચાલી હોવા છતાં, મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોના પ્રમુખોના નામો પર સહમતી સધાઈ નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પદાધિકારીઓની નિમણૂકમાં અનેક જૂથવાદ અને દાવેદારોની લાંબી યાદીને કારણે નેતાગીરી મડાગાંઠ ઉકેલવામાં નિષ્ફળ રહી છે.
નિયમ મુજબ, મેયર અને અન્ય હોદ્દેદારોની નિમણૂક માટે મ્યુનિસિપલ કમિશનરોએ સામાન્ય સભા બોલાવવી પડે છે. આ સભા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓને 3 દિવસ અગાઉ જાણ કરવી અનિવાર્ય છે. પરંતુ ભાજપ દ્વારા નામો જાહેર ન કરાતા કમિશનરો હજુ સુધી સામાન્ય સભાનું જાહેરનામું બહાર પાડી શક્યા નથી.
ભાજપના ભવ્ય વિજય બાદ હવે સત્તાના સૂત્રો કોને સોંપવા તે મુદ્દે પક્ષમાં 'ખેંચતાણ' ચરમસીમાએ છે. 15 મહાનગરપાલિકાઓના ભાવિ મેયર કોણ બનશે તે જાણવા માટે હજુ પણ કાર્યકરો અને જનતાએ પ્રતીક્ષા કરવી પડશે.