જનતાને કહ્યું એક બહુરૂપીયાને જૂતાનો હાર પહેરાવજો, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના મધુ શ્રીવાસ્તવ પર પ્રહાર

01:19 PM Nov 16, 2025 | gujaratpost

વડોદરા: ભાજપ દ્વારા હાલ વિવિધ શહેરોમાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત વડોદરાના વાઘોડીયામાં ભાજપનું સ્નેહમિલન યોજાયું હતુ, જેમાં ધારાસભ્ય ધરમેન્દ્રસિંહ વાઘેલાએ વિરોધીઓ પર પ્રહાર કર્યાં હતા.તેમણે કહ્યું કે, આગામી ચૂંટણીમાં કોઈનાથી ડરવાનું નથી, તેમણે મધુ શ્રીવાસ્તવનું નામ લીધા વગર પ્રહાર કર્યા હતા.

કહ્યું કે વાઘોડીયા કોઈ બોડીબામણીનું ખેતર નથી કે કોઈ પણ આવે અને જાય, ચૂંટણી આવશે તો પણ અમને ડર નથી, 2022માં જેણે ડિપોઝિટ ગુમાવી તે જનતાની શું સેવા કરશે ? કોઈ બહુરુપીયો આવે તો જૂતાનો હાર પહેરાજો અને કોઈથી ગભરાતા નહીં, હું નહીં તમે ધારાસભ્યો છો તેમ કહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વાઘોડિયાના દબંગ નેતા મધુ શ્રીવાસ્તવે મોટો રાજકીય ધડાકો કર્યો હતો. ભાજપ છોડ્યા બાદ હવે તેમણે નવો પક્ષ બનાવવાની સત્તાવાર જાહેરાત કરી હતી. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, અમે એક એવો પક્ષ બનાવી રહ્યાં છીએ, જેમાં તમામ જાતિના લોકોનો સમાવેશ કરવામાં આવશે. અમારો ઉદ્દેશ ભાજપ અને કોંગ્રેસથી અલગ એક આગવા વિકલ્પ રુપે ત્રીજું નેત્ર બનીને સચ્ચાઈના માર્ગે ચાલનાર નેતૃત્વ ઉભુ કરવાનું છે. આવનારી ચૂંટણીમાં અમારી પાર્ટી 40 જેટલા એવા ઉમેદવારોને ઉભા રાખશે, જેઓ નિષ્ઠાવાન અને વિકાસ માટે પ્રતિબદ્ધ હશે. 

મધુ શ્રીવાસ્તવ વર્ષ 1995માં અપક્ષ ઉમેદવાર તરીકે વાઘોડિયા બેઠક પરથી પહેલી વાર વિધાનસભા પહોંચ્યા હતા. જે બાદ ભાજપમાં જોડાઈ સતત 6 ટર્મ સુધી વિજેતા બન્યાં હતા. જો કે 2022ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ ન આપતા તેમણે અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે હારી ગયા હતા.