ભાવનગરઃ આ ગામમાં વરસાદ વગર જ કેડ સમા ભરાયા પાણી, લોકોમાં રોષ- Gujarat Post

11:08 AM Oct 06, 2024 | gujaratpost

ભાવનગરઃ રાજ્યમાંથી હાલ ચોમાસાએ વિદાય લીધી છે. તેમ છતા ભાવનગરના અનેક ગામોમાં પાણી ભરાયેલા છે. મળતી વિગત પ્રમાણે, ભાવનગર પંથકના અનેક ગામોમાં બોટાદની કેરી નદીના પાણી ઘૂસી જવાની સમસ્યા કાયમી બની છે. વહેણમાં આડાશ, ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા અને પાળા બાંધી દેવામાં આવતા પાણી દરિયામાં જવાના બદલે ગામોમાં ઘૂસી જતું હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મામલે સરકારી તંત્રએ ધ્યાન દેતા ન હોવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ભાવનગર તાલુકાના સવાઈનગર, માઢિયા, દેવળિયા, સનેસ તેમજ મેવાસા, મોણપર સહિતના ગામોમાં કેરી નદીનું પાણી ઘૂસી જવાના કારણે ગામ બેટમાં ફેરવાઈ જતું હોવાની કાયમી સમસ્યા રહે છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં નદીનું પાણી દરિયામાં જવાના બદલે ગામોમાં ઘૂસી જતું હોવાથી આ સમસ્યા વધુ ચિંતાજનક બની રહે છે. ગામોમાં પાણી ભરાઈ જવાથી બાળકો સ્કૂલે જઈ શકતા નથી.

અહીં પીવાની પાણીની પણ સમસ્યા સર્જાઈ છે. ઉપરાંત રોગચાળાની ભીતિ વચ્ચે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યાં છે. કેરી નદીના વહેણને અવરોધતા પાળાઓ દૂર કરવા તેમજ ઝાડી-ઝાંખરા, બાવળની સાફ-સફાઈ કરવા અને વર્ષો જૂની સમસ્યાનો કાયમી નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526