હુમલા બાદ એક્શનઃ અમદાવાદ, સુરતમાં બાંગ્લાદેશીઓ પર પોલીસે બોલાવી તવાઈ- Gujarat Post

11:53 AM Apr 26, 2025 | gujaratpost

અમિત શાહે બધા રાજ્યોને અપીલ કરી હતી કે પાકિસ્તાનીઓને શોધીને પાછા મોકલો

અમદાવાદઃ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર એકશનમાં આવી છે. ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યા બાદ 25 એપ્રિલની મોડીરાતથી અમદાવાદ અને સુરતમાં પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ-અલગ વિસ્તારોમાં રેડ કરી હતી. આ કાર્યવાહીમાં મોટી સંખ્યામાં વિદેશી નાગરીકો ઝડપાયા છે, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે.

અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, ઈઓડબલ્યુ, ઝોન-6 અને પોલીસ હેડ કવાર્ટરની ટીમોએ મળીને સયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં સવારના 3 વાગ્યાથી ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી 457 વિદેશી નાગરિકોને પકડી પાડ્યાં હતાં. તમામ શંકાસ્પદ લોકોને દોરડા વડે કોર્ડન કરીને ક્રાઈમ બ્રાન્ચના ગ્રાઉન્ડમાં લઈ જવાયા હતા.

આવી જ રીતે સુરતમાં પણ ઘૂસણખોરોને પકડી પાડવાનું ઓપરેશન રાત્રિના 12 વાગ્યાથી સવારની 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. સુરત પોલીસની 6 ટીમ જેમાં 2 DCP, 4 ACP અને 10 PI સહિત 100 પોલીસકર્મીઓ હતા. આ ટીમોએ શહેરના ઉન, સચિન, લિંબાયત, લાલગેટ, સલાબતપુરા સહિતના વિસ્તારોમાં રેડ કરી 120થી વધુ શંકાસ્પદ વિદેશી નાગરિકોની અટકાયત કરી હતી. બાદમાં તમામને પૂછપરછ અને જરૂરી ડોક્યુમેન્ટની તપાસ માટે પોલીસ હેડ કવાર્ટર લઈ જવામાં આવ્યાં હતાં.

ગેરકાયદેસર પશ્ચિમ બંગાળની બોર્ડર ક્રોસ કરીને ઘૂસણખોરો સુરતમાં પ્રવેશ્યા હતા. બાંગ્લાદેશીઓ હાવડા પહોંચી સુરત આવ્યાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે રૂપિયા 15 હજાર આપી બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરી હતી. બોર્ડર ક્રોસ કરી બાંગ્લાદેશીઓ પશ્ચિમ બંગાળમાં ઘૂસ્યા હતા. શહેર પોલીસે તમામનું ક્રોસ વેરિફિકેશન ચેકીંગ હાથ ધર્યું છે. ડિટેન કરાયેલા તમામ બાંગ્લાદેશીઓ મજૂરી કરતા હતા.

 

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++