અમદાવાદ: જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, વલસાડ જિલ્લાની ત્રણ નગરપાલિકાઓ સહિત ગુજરાતમાં 66 નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો અને વિવિધ પેટાચૂંટણી માટે મતગણતરી થઇ છે. અન્ય પક્ષોની પીછેહઠને કારણે ભાજપે ઘણી બેઠકો પર બિનહરીફ જીત મેળવી હતી. મોટાભાગની નગરપાલિકાઓમાં ભાજપનો વિજય થયો છે.
ખેડાની મહુધા પાલિકા કોંગ્રેસનો ગઢ ગણાતી હતી,પરંતુ આ વખતે ભાજપે કબ્જો જમાવી લીધો છે. કુલ 6 વોર્ડની 24 બેઠકો છે. જેમાં ભાજપના ફાળે 14 બેઠક ગઈ છે જ્યારે અન્યના ખાતામાં 10 બેઠક ગઈ છે.
જામનગરની ત્રણ નગરપાલિકા ભાજપે કબ્જે કરી
જામનગરની ત્રણ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીએ ઝંડો લહેરાવ્યો છે. અહીં ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ધ્રોલ, કાલાવડ અને જામજોધપુર નગરપાલિકામાં ભાજપનો વિજય થયો છે. ધ્રોલ નગરપાલિકાની મત ગણતરીમાં આખરે ભાજપ આગળ હતું. ધ્રોલ નગરપાલિકામાં 15 ભાજપ, 8 કોંગ્રેસ અને 1 અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. કાલાવડ નગરપાલિકામાંથી ભાજપના 26 અને કોંગ્રેસના 2 ઉમેદવારો જીત્યા હતા. જામજોધપુર નગરપાલિકામાં 27 ભાજપ અને AAPના 1 ઉમેદવારની જીત, કોંગ્રેસનું ખાતું પણ ખૂલ્યું ન હતું.
હાલોલ નગરપાલિકાના ઐતિહાસિક પરિણામો
હાલોલ નગરપાલિકાની મત ગણતરી પૂર્ણ થઈ ગઈ છે. ભાજપને અહીં તમામ 36 બેઠકો મળી છે. અગાઉ 21 બેઠકો બિનહરીફ જાહેર કરવામાં આવી હતી, જેમાં બે અપક્ષ બિનહરીફ ઉમેદવારોએ જાહેરમાં ભાજપને સમર્થન આપ્યું હતું. આજે જાહેર થયેલા પરિણામોમાં તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો.
વલસાડ જિલ્લાની ચૂંટણીનું પરિણામ
વલસાડ જિલ્લાની વલસાડ નગરપાલિકાની કુલ 44 બેઠકો છે જેમાંથી ભાજપે 41 પર જીત મેળવી છે, અન્યોએ 2 બેઠકો જીતી છે અને કોંગ્રેસે માત્ર 1 બેઠક પર જીત મેળવી છે. વલસાડ નગરપાલિકા ભાજપે ફરી કબ્જે કરી છે.
ભાજપે અહીં જીત નોંધાવી
મુંદ્રા તાલુકાની મોટી ભુજપુર તાલુકા પંચાયત બેઠક પરથી ભાજપના ઉમેદવાર નારણ સખારા 999 મતોથી ચૂંટણી જીત્યા છે. માંડવીના દરશરી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો છે.અહીં ભાજપે 1708 મતોથી જીત મેળવી છે. આ સાથે જ રાપર નગરપાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં ભાજપનો વિજય થયો છે.
ધરમપુર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની
વલસાડ જિલ્લાની ધરમપુર નગરપાલિકા ભાજપે ફરી કબ્જે કરી છે. ધરમપુર નગરપાલિકામાં કુલ 24 બેઠકો હતી જેમાંથી ભાજપે 20 બેઠકો કબ્જે કરી છે. ચાર બેઠકો અન્યને મળી છે. કોંગ્રેસને અહીં એક પણ બેઠક મળી નથી.આ રીતે ધરમપુર નગરપાલિકા કોંગ્રેસ મુક્ત બની છે.
ભાજપ મોટી જીતના માર્ગે છે
તાજેતરની માહિતી અનુસાર, ભાજપે નગરપાલિકાઓમાં 653 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસને 60 બેઠકો મળી છે. અપક્ષ ઉમેદવારોએ 44 બેઠકો મેળવી છે.અપક્ષ ઉમેદવારોએ 44 બેઠકો મેળવી છે. બસપાએ 5 બેઠકો જીતી છે જ્યારે આમ આદમી પાર્ટીએ 2 બેઠકો અને અન્યોએ 4 બેઠકો જીતી છે.
પારડી પાલિકા ફરી ભાજપે કબ્જે કરી
વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાની કુલ 28 બેઠકો છે, જેમાંથી ભાજપે 22 અને કોંગ્રેસે 5 બેઠકો જીતી છે. બીજા કોઈને એક સીટ મળી. ગત ચૂંટણીમાં ભાજપને 14 અને કોંગ્રેસને 14 બેઠકો મળી હતી અને મામલો ટાઈ ગયો હતો.જેમાં ચિઠ્ઠીઓ કાઢવામાં આવી હતી જેમાં ભાજપે કબ્જો જમાવ્યો હતો.
સુરત બોર્ડ નંબર 18માં કેસરિયો લહેરાવ્યો
સુરત બોર્ડ નંબર 18 પેટાચૂંટણીમાં ભાજપને ભવ્ય જીત મળી છે. ભાજપના ઉમેદવાર જીતુ કછરને 17273 મત, કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદને 10273 મત મળ્યાં હતા. વોર્ડ નં.18ની ચૂંટણીમાં ભાજપના જીતુ કછર 7086 મતોથી જીત્યા હતા. શહેરના પરબત પાટિયા, ગોડાદરા, લિંબાયત વિસ્તારની વોર્ડ 18ની બેઠક માટે રવિવારે પેટા ચૂંટણી યોજાઈ હતી.
કચ્છમાં ભાજપનો દબદબો
રાપર નગરપાલિકા પર ભાજપે કબ્જો જમાવ્યો છે. 28માંથી 21 બેઠકો ભાજપના ખાતામાં ગઈ, જ્યારે કોંગ્રેસને 7 બેઠકો મળી. ભચાઉ નગરપાલિકાની કુલ 28 બેઠકો ભાજપે કબજે કરી છે. કચ્છની તમામ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. 2 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતમાં ભાજપનો જંગી વિજય થયો છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/