લીંબડી ડેપોના હોદ્દેદારો- અધિકારીઓ સત્તાનો દુરુપયોગ કરે છે ! અન્યાય કરે છે અને કર્મચારીઓ પર માનસિક ત્રાસ ગુજારે છે

10:51 AM Sep 20, 2025 | gujaratpost

યુનિયન સભ્યપદને આધારે થતી બદલીઓ અને ભેદભાવ પર તરત રોક લગાવવામાં આવે 

ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓ દખલ કરીને કર્મચારીઓની હેરાનગતિ અટકાવે તેવી માંગ 

અમદાવાદઃ GSRTC લીંબડી ડેપોમાં હોદ્દેદારો તથા અધિકારીઓ પોતાના હોદ્દાનો ખુલ્લેઆમ દુરુપયોગ કરી રહ્યા છે. આ વર્તનથી ડેપોમાં કાર્યરત અનેક કંડકટર અને ડ્રાઈવરોએ ભારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. સાથે માનસિક દબાણ અને ભેદભાવનો સામનો કરવો પડે છે.

શંકરભાઈ ડાભી-ટ્રાફિક કંટ્રોલર અને અવનીબેન જાદવ-કંડકટર શેડ્યુલ પ્રતિનિધિ પર પોતાના હોદ્દાનો અયોગ્ય ઉપયોગ કરીને કંડકટર અને ડ્રાઈવરોને વારંવાર હેરાન કરતા હોવાનો આરોપ છે. રણછોડભાઈ પી. મેટાળીયા-કંડકટર કે જે હંમેશા બીજા સહ કર્મચારીઓ માટે ખુબ જ ખરાબ બોલતા હોવા છંતા તેમને ટીકીટ ચોરીની સજામાંથી મુક્તિ મળી છે. શંકરભાઈ ડાભી-ટ્રાફિક કંટ્રોલર, શેડ્યુલ પ્રતિનિધિ હોવા છતાં આવી પ્રવૃત્તિમાં સામેલ હોવાનો આરોપ છે.

ડ્રાઇવર તથા કંડકટર સાથે પૂર્વગ્રહ રાખીને માનસિક ત્રાસ ગુજારવામાં આવે છે. કર્મચારીઓને વારંવાર ટ્રાન્સફરની અને તેમની નોકરીનો રુટ બદલી નાખવાની ધમકી આપવામાં આવે છે. અધિકારીઓ આ મારો સમાજ અને આ તમારો સમાજ કહી ભેદભાવ ઊભો કરીને સંગઠન દ્વારા સત્તાનો દુરુપયોગ કરી રહ્યાં છે.

હાલમાં ઘણા બધા ટીકીટ ચોરીના કેસ સામે આવ્યાં હોવા છતાં બદલી એવા નિર્દોષ કંડકટરની કરાઈ કે જેમને માત્ર યુનિફોર્મ પહેર્યો ન હતો. જ્યારે અવનીબેન જાદવ-કંડકટર, જે.એ રાઠોડ-ડ્રાઇવર તેઓ યુનિફોર્મથી દૂર રહે છે. જે લોકો ટીકીટ ચોરી જેવા ગંભીર ગુનાઓમાં સપડાયેલા છે તેમની સામે પણ યોગ્ય કાર્યવાહી થતી નથી.  

હાલમાં ઘણા એસ..ટી કર્મચારીઓની બદલી રોકવામાં આવેલ છે કે જેઓ લાઈન ચેકીંગ દરમિયાન ટીકીટ ચોરીમાં ઝડપાયા હોય, તેમને કોઈ પણ સજા વગર મુક્ત કરવામાં આવ્યાં છે. અહીં કોઈ પણ વ્યક્તિની અગાઉની કામગીરી ધ્યાનમાં લીધા સિવાય કિન્નાખોરી જ કરવામાં આવે છે. આ રીતે તેઓ સત્તાનો અયોગ્ય ઉપયોગ કરીને કર્મચારીઓની સ્વતંત્રતા છીનવી લે છે.  

કર્મચારીઓ અસંતોષ, અસુરક્ષા અને માનસિક તણાવને કારણે અસાધ્ય બિમારીઓના ભોગ બની રહ્યાં છે. નિગમની છબી અને કાર્યક્ષમતા બંને પર નકારાત્મક અસર પડી રહી છે. આ વર્તન કર્મચારી હકોના સિદ્ધાંત વિરુદ્ધ છે. લીંબડી ડેપોમાં ચાલી રહેલી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કર્મચારીઓમાં ઉઠી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++