અમદાવાદ પ્લેન ક્રેશઃ કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાનો વોલ સ્ટ્રીટ જર્નલનો ઘટસ્ફોટ

11:54 AM Jul 17, 2025 | gujaratpost

અમદાવાદઃ 12 જૂનના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલા એર ઈન્ડિયાના વિમાન અંગે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે (WSJ) દાવો કર્યો છે કે વિમાનના કેપ્ટન સુમિત સભરવાલે એન્જિનને ઈંધણનો પૂરવઠો બંધ કરી દીધો હતો.

WSJએ અહેવાલ આપ્યો છે કે બે પાઇલટ્સ વચ્ચેની વાતચીતના કોકપીટ રેકોર્ડિંગમાંથી આ વાત બહાર આવી છે.વોઇસ રેકોર્ડિંગમાં જાણવા મળ્યું છે કે બોઇંગ વિમાન ઉડાડી રહેલા કો-પાઇલટ ક્લાઇવ કુંદરે કેપ્ટન સુમિત સભરવાલને પૂછ્યું, તમે ફ્યુઅલ સ્વીચને કટઓફ કેમ કરી ? પ્રશ્ન પૂછતી વખતે કો-પાઇલટ આશ્ચર્યચકિત થયા હતા અને તે ગભરાઈ ગયા હતા, જો કે કેપ્ટન સુમિત શાંત દેખાયા હતા. કેપ્ટન સુમિત સભરવાલ એર ઇન્ડિયા વિમાનના સિનિયર પાઇલટ હતા.

વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના રિપોર્ટમાં વિમાન દુર્ઘટનાની તપાસ કરનાર અમેરિકી અધિકારીઓની પ્રાથમિક તપાસથી પરિચિત લોકોને ટાંકીને આ વાત જણાવી છે. 

થોડા દિવસ પહેલા વિમાન દુર્ઘટના અંગે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) એ પ્રારંભિક તપાસ રિપોર્ટ જાહેર કર્યો હતો. AAIB અનુસાર એર ઇન્ડિયાના બોઇંગ 787-8 વિમાનના એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વીચો ટેકઓફ થયાના થોડી જ સેકન્ડ પછી બંધ થઈ ગઇ હતી. એન્જિન 1 નું ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ લગભગ 08:08:52 UTC વાગ્યે CUTOFF થી RUN માં બદલાઈ ગયું. ત્યારબાદ, 08:08:56 UTC વાગ્યે એન્જિન 2 નું ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ પણ CUTOFF થી RUN માં બદલાઈ ગયું. 

AAIB એ આ ઘટના પર 15 પાનાનો અહેવાલ સોંપ્યો છે. જે વિમાન દુર્ઘટના ઉડાન ભર્યાના લગભગ 30 સેકન્ડ પછી બની હતી. AAIB એ કહ્યું છે કે ઇંધણ નિયંત્રણ સ્વીચો પાછળથી ચાલુ કરવામાં આવી હતી, પરંતુ એક એન્જિનમાં ઓછી ગતિને કારણે અકસ્માત ટાળી શકાયો નહીં. વિમાનના બંને એન્જિન અચાનક બંધ થઈ ગયા હતા, જેના કારણે વિમાન ક્રેશ થઇ ગયું હતું. જોકે, રિપોર્ટમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ફ્યુઅલ સ્વીચ કેવી રીતે બંધ થઈ ગઈ હતી.

નોંધનીય છે કે12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI 171 ટેકઓફ થયાના 32 સેકન્ડ પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી. જેમાં 270 લોકોનાં મોત થયાં હતાં.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++