વડોદરાઃ ગઈકાલે વિશ્વ સર્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી વચ્ચે સાવલી તાલુકામાં એક કરૂણ ઘટના બની હતી. મોક્સી ગામે રહેતા પરિવારની 10 વર્ષની બાળકીને કોબ્રા સાપે હાથ પર દંશ મારતા તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ડોક્ટર સારવાર પર ધ્યાન આપવાના બદલે કેસ કાગળ કરવામાં વ્યસ્ત રહ્યાx અને બાળકીએ જીવ ગુમાવ્યો હોવાનો આક્ષેપ ભાઇએ કર્યો છે.
સાવલી તાલુકાના મોક્સી ગામે રહેતા વસંતભાઇ રાઠોડની દીકરી દિવ્યા (ઉં.વ.10) ધો. 5 માં અભ્યાસ કરતી હતી. ગઇકાલે સાંજે તે પાઠયપુસ્તકને પૂઠુ ચઢાવવા માટે કબાટમાંથી કવર કાઢવા ગઇ હતી.કબાટમાં હાથ નાંખતા જ સંતાઇ રહેલા સાપે તેને હાથે દંશ માર્યો હતો. તેને સારવાર માટે તેનો પિતરાઇ ભાઇ હાર્દિક સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. હાર્દિકે જણાવ્યું કે, મારી બહેનને લઇને હું સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યો હતો. તેને ઝેરની અસર થવાની શરૂઆત થઇ ગઇ હતી. મારી બહેન ઉછળતી હતી. પરંતુ, ડોક્ટર કેસ કાગળો બનાવવામાં વ્યસ્ત હતા.
મેં ત્યાં હાજર ડોક્ટરને કહેવા ગયો હતો. પરંતુ, ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. ઝેર છેક મગજ અને ફેફસાં સુધી પહોંચી ગયું હતું. મારી બહેનને શ્વાસ લેવામાં પણ તકલીફ શરૂ થઇ ગઇ હતી. માત્ર દોઢ કલાકમાં જ મારી બહેનનું મોત થયું હતું. ડોક્ટરની બેદરકારીના લીધે મારી બહેનનું મોત થયું હતું. મારી બહેનને દંશ મારનાર સાપ કોબ્રા હતો. દંશ માર્યા પછી પણ સાપ ફેણ તાણીને ઘરમાં દોઢ કલાક સુધી બેસી રહ્યો હતો. સાપ પકડતા એક શખ્સને બોલાવી લાવતા તે સાપ પકડીને લઇ ગયો હતો. વ્હાલસોયીના આ રીતે મોતથી પરિવારજનો શોકમગ્ન થઈ ગયા હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/