9 મુખ્ય આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
અમદાવાદઃ દરિયાપુર વિસ્તારમાં આવેલી મનપસંદ જીમખાના ક્લબમાં D કંપની સ્ટાઇલથી અને ગોવાના કેસિનો જેવો માહોલ ઊભો કરીને ચલાવવામાં આવતા હાઇપ્રોફાઇલ જુગારધામનો ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે પર્દાફાશ કર્યો છે. સમગ્ર ખેલને ગુપ્ત રાખવા માટે ખાસ કોડવર્ડ, ક્લબની મેમ્બરશીપ અને હાર-જીતના નાણાંની લેવડદેવડ માટે આંગડિયા પેઢીનો ઉપયોગ કરવામાં આવતો હતો.
SMC ની ટીમે દરોડા પાડીને જુગારધામ ચલાવતા મુખ્ય સંચાલકો સહિત 187 જુગારીઓની ધરપકડ કરી છે. તમામ આરોપીઓને આજે 4 ઓગસ્ટે પોલીસની 4 અને AMTSની 1 બસ ભરીને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. પોલીસે આ કેસમાં ઝડપાયેલા કુલ 187 આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરીને વધુ તપાસ અર્થે મુખ્ય આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી.
મુખ્ય સંચાલકો ગોવિંદ ઉર્ફે ગામા પટેલ અને કિરીટસિંહ ચાવડા જુગાર રમવા માટે પ્રતિ ટેબલ રૂ. 15,000 થી રૂ. 30,000 સુધીનું ભાડું વસૂલતા હતા અને રૂ. 2,000માં ક્લબની મેમ્બરશીપ આપતા હતા. મનપસંદ જીમખાના ક્લબમાં ગોવિંદ ઉર્ફે ગામા ખોડીદાસ પટેલ, બંદીશ અજયભાઈ ખત્રી અને ભરત રામભાઈ પટેલ ભાગીદાર છે. ભરત પટેલે પોતાનો હિસ્સો નિકુંજ ખત્રીને ગિરો મુકેલો છે.
ડાયરેક્ટર તરીકે ગોવિંદ ઉર્ફે ગામા પટેલ ક્લબનું સંચાલન કરતો હતો અને દર મહિને ત્રણેય ભાગીદારો પોતાના બેંક એકાઉન્ટમાં મનપસંદ ક્લબમાંથી રૂ.20,000 મેળવતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.