અમદાવાદ: શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. ધોરણ 8ના એક વિદ્યાર્થીએ સામાન્ય ધક્કામુક્કીના ઝઘડામાં ધોરણ 10ના વિદ્યાર્થીને ચાકુ મારી દીધું હતું. જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.
શું છે સમગ્ર ઘટના ?
મૃતક વિદ્યાર્થી ઘોડાસરમાં રહેતો હતો અને 15 વર્ષનો હતો. તે તેના પિતરાઈ ભાઈ સાથે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો. લગભગ એક અઠવાડિયા પહેલાં, શાળા છૂટતી વખતે સીડીઓ પર તેનો અને તેના ભાઈનો ધોરણ 8ના એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કીને કારણે ઝઘડો થયો હતો. આ ઝઘડા બાદ બંને વિદ્યાર્થીઓ જ્યારે પણ સામસામે મળતા ત્યારે બોલાચાલી કરતા હતા.
મંગળવારે, 19મી ઓગસ્ટના રોજ, શાળા છૂટ્યા બાદ ધોરણ 10નો વિદ્યાર્થી શાળાની સામે મણિયાશા સોસાયટીના ગેટ પાસે ઊભો હતો. તે સમયે ધોરણ 8નો વિદ્યાર્થી તેના 6-7 મિત્રો સાથે ત્યાં આવ્યો હતો અને તેની સાથે ફરી ઝઘડો શરૂ કર્યો હતો. અચાનક, ધોરણ 8ના વિદ્યાર્થીએ પોતાની પાસે છુપાવેલી છરી કાઢીને ધોરણ 10ના વિદ્યાર્થી પર હુમલો કર્યો અને ભાગી ગયો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલો વિદ્યાર્થી ડરના માર્યા શાળાના પાછળના કમ્પાઉન્ડ તરફ ભાગ્યો હતો. ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડે તેને લોહીલુહાણ હાલતમાં જોતા તાત્કાલિક શાળાના શિક્ષકો અને પોલીસને જાણ કરી હતી વિદ્યાર્થીને સારવાર માટે મણિનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
શાળામાં વાલીઓનો હોબાળો
વિદ્યાર્થીના મોતના સમાચાર મળતા જ સિંધિ સમાજના લોકો અને મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચી ગયા હતા. તેઓએ ભેગા થઈને હોબાળો કરતા શાળાએ તાત્કાલિક રજા જાહેર કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/