અમદાવાદ: ગુજરાતમાં ભાજપ સગંઠનમાં છેલ્લા થોડા સમયથી નવા પ્રમુખોની વરણી અટકી પડી હતી.પરંતુ આજે ગુજરાત ભાજપ દ્વારા અમદાવાદ, વડોદરા, પોરબંદર, પંચમહાલ, ખેડા, ગાંધીનગરના ભાજપ પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી હતી. પ્રેરક શાહની અમદાવાદના નવા ભાજપ પ્રમુખ તરીકે વરણી કરાઇ છે. જીતુ વાઘાણી દ્વારા પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી હતી.
વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે રસિક પ્રજાપતિના નામની જાહેરાત કરાઈ હતી. રસિક પ્રજાપતિ દુમાડ ગામના રહીશ છે તેમજ તેઓ અગાઉ બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા. વર્ષોથી પાર્ટીમાં કામ કરતા રસિકભાઈને ભાજપે પ્રમુખ બનાવ્યાં છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નયનાબેન પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઠાસરાના પરબીયાના નયનાબેન નવા જિલ્લા ભાજપ પ્રમુખ બન્યાં છે. તેઓ અગાઉ જિલ્લા પંચાતના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી ચૂક્યાં છે. ભારતીય જનતા પાર્ટીના ગાંધીનગર મહાનગરના પ્રમુખ તરીકે આશિષ દવેની વરણી થઈ છે. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે મયંક દેસાઈની નિયુક્તિ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના પોરબંદર જિલ્લા પ્રમુખ તરીકે ડૉ. ચેતનાબેન રૂપારેલ (તિવારી)નું નામ જાહેર થયું હતું.