- ડિજિટલ એરેસ્ટના નામે કમ્બોડિયા મોકલાતા હતા પૈસા
- ચેરીટેબલ ટ્રસ્ટના નામે કૌભાંડ
- રૂપિયા 18 કરોડના ટ્રાન્ઝેક્શનનો પર્દાફાશ
અમદાવાદ: નિવૃત્ત કોલેજ પ્રોફેસર અને તેમના પતિને CBI, RAW જેવી એજન્સીઓના નામે ગુનો દાખલ કરવાની ધમકી આપીને ડિજિટલ એરેસ્ટના નામે રૂ. 11.42 કરોડની માતબર રકમ પડાવી લેવાના હાઈ-પ્રોફાઈલ કેસમાં ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે. પોલીસે મની લોન્ડરિંગના આ આંતરરાજ્ય નેટવર્કના ત્રણ મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે.
એલિસબ્રિજ વિસ્તારમાં રહેતા અને અગાઉ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા મહિલા પ્રોફેસરને સાયબર ગઠિયાઓએ ફોન કર્યો હતો. આ ગઠિયાઓએ પ્રોફેસરના મોબાઇલ નંબર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને અન્ય સિમ કાર્ડ ખરીદીને કરોડો રૂપિયાની હેરાફેરી કરી હતી. તેમને મની લોન્ડરિંગના કેસની સાથે SEBI, RAW, અને CBI જેવી એજન્સીઓ દ્વારા ગુનો નોંધવાની ધમકી આપીને ભયભીત કરવામાં આવ્યાં હતા અને ડિજિટલ એરેસ્ટ હેઠળ રૂ. 11.42 કરોડની મોટી રકમ પડાવી લેવામાં આવી હતી.
પોલીસે નાણાંકીય ટ્રાન્ઝેક્શનની તપાસ કરતા જાણવા મળ્યું કે છેતરપિંડીના કેટલાક નાણાં વિશ્વા ગ્લોબલ ચેરીટેબલ ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા. આ કડીને આધારે પોલીસે કશ્યપ બેલાણી, દિનેશ લીંબાચિયા અને ધવલ મેવાડાની ધરપકડ કરી છે.
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ આરોપીઓ કમ્બોડિયા સ્થિત એક મોટી ગેંગ માટે ગુજરાત અને અન્ય રાજ્યોમાં નાણાંની હેરફેર કરવા માટે ચેરીટેબલ ટ્રસ્ટના નામે બેંક એકાઉન્ટ ખોલી આપતા હતા. છેતરપિંડી દ્વારા મેળવેલી રકમ આ ટ્રસ્ટના એકાઉન્ટમાં જમા થતી હતી.ત્યારબાદ આ નાણાં ચેક દ્વારા ઉપાડીને મુંબઈમાં અન્ય આરોપીઓને પહોંચાડવામાં આવતા હતા. મુંબઈથી આ રકમ હવાલા મારફતે દુબઈ, બેંગકોક અને અંતે કમ્બોડિયામાં બેઠેલી ચાઇનીઝ ગેંગ સુધી પહોંચતી કરવામાં આવતી હતી. આ કામ બદલ આરોપીઓને કમિશન મળતું હતું.
પોલીસને આરોપીઓએ ખોલાવેલા બેંક એકાઉન્ટ્સમાંથી વિવિધ રાજ્યોના 11 જેટલા સાયબર ક્રાઇમના કેસોના નાણાં આવ્યા હોવાની વિગતો મળી છે, જેની કુલ રકમ 18 કરોડ રૂપિયા છે. પોલીસે તે પૈકી રૂ. 3.15 કરોડ જેટલી રકમ ફ્રીઝ કરી દીધી છે. પોલીસે આરોપીઓ પાસેથી 10 મોબાઇલ, વિવિધ બેંક એકાઉન્ટ, લેપટોપ અને ચેરીટેબલ ટ્રસ્ટના રબર સ્ટેમ્પ પણ જપ્ત કર્યા છે. આ મામલાની તપાસમાં વધુ મોટા ખુલાસા થવાની સંભાવના છે.