અમદાવાદઃ દુબઈમાં રોકાણના નામે 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી, બંટી-બબલી દંપતીની ધરપકડ

10:45 AM Dec 11, 2024 | gujaratpost

અમદાવાદઃ બંટી-બબલી દંપતીએ લોકોને રોકાણના નામે 10 ટકા વળતરની લાલચ આપીને 3.5 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘણા લોકોને દુબઈમાં રોકાણ કરવાનું વચન આપીને પોતાની સ્કીમમાં ફસાવ્યાં હતા. શરૂઆતમાં તેમને રોકાણકારોને વળતર આપ્યું હતું અને પછીથી ચૂકવણી બંધ કરી દીધી હતી. તેમને લોકોને આધાર અને પાન કાર્ડ દ્વારા ક્રેડિટ કાર્ડ કઢાવીને મોટી રકમ ઉછીની લીધી હતી. આ બંને 2024ની શરૂઆતમાં ફરાર થઈ ગયા હતા, જેના કારણે રોકાણકારોને છેતરાયાનો અહેસાસ થયો હતો.

રોકાણકારોએ અમદાવાદના EOW પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે, જેને આધારે પોલીસે પંજાબમાંથી પતિ-પત્નીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અમદાવાદમાં રહેતા સૌરીન પટેલ અને તેના પત્ની અક્ષિતા પટેલે વર્ષ 2021માં એન્જલ ફિનટેક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી.

તપાસ અધિકારીએ જણાવ્યું હતું કે, પતિ-પત્ની ભાડા પર ઓફિસ ખોલીને લોકોને છેતરતા હતા, જેમાં તેઓ કોઈની પાસેથી રોકડ લેતા ન હતા, પરંતુ તેના બદલે તેમના આધાર કાર્ડ અને પાન કાર્ડ લઈ ગયા હતા અને તેમની પાસેથી બનાવેલું ક્રેડિટ કાર્ડ લીધું હતું. પછી તેઓ તેમની પાસેથી મોટી રકમ ઉપાડી લેતા હતા. તેઓએ થોડા દિવસો માટે પૈસા આપ્યાં હતા અને પછી 2024 ની શરૂઆતમાં, બંને ફરાર થઈ ગયા હતા.

પોલીસે પંજાબથી સૌરીન પટેલ અને અક્ષિતા પટેલની ધરપકડ કરી છે. આ બંને સામે 15 ફરિયાદીઓએ ફરિયાદ નોંધાવી છે. જેમાં 3 કરોડ 50 લાખથી વધુની છેતરપિંડીની ફરિયાદ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++