એક તરફ પહાડ- બીજી તરફ ખીણ, બદ્રીનાથમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ, પોલીસે ભક્તોને રોકવા કરી અપીલ

11:56 AM May 12, 2024 | gujaratpost

ઉત્તરાખંડઃ બદ્રીનાથ ધામના દરવાજા આજે સવારે 6 વાગે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ, વૈદિક મંત્રોના જાપ અને બદરી વિશાલ લાલ કી જય ના નારા સાથે ખુલ્યાં છે. આ દરમિયાન મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં દર વર્ષે ચાર ધામ યાત્રા થાય છે, જેમાં બદ્રીનાથ ધામની સાથે યાત્રાળુઓ ગંગોત્રી ધામ, યમુનોત્રી ધામ અને કેદારનાથ ધામની મુલાકાતે આવે છે.

શુક્રવારે અક્ષય તૃતીયાના દિવસે કેદારનાથ અને યમુનોત્રી ધામના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. જેની સાથે આ વર્ષની ચારધામ યાત્રાનો પ્રારંભ થયો હતો. ગંગોત્રી, યુમનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ એવા ધાર્મિક સ્થળો છે જ્યાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ભક્તિ સાથે આવે છે. ચાર ધામની યાત્રા ખૂબ જ વિશેષ માનવામાં આવે છે અને તેનું ધાર્મિક મહત્વ ઘણું છે.

વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે

હવામાન વિભાગે ઉત્તરાખંડના ઘણા જિલ્લાઓમાં 13 મે સુધી વરસાદની ચેતવણી જારી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં યલો બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 11 મેથી 13 મે સુધી વરસાદ પડશે. 13 મેના રોજ કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ઉપરાંત ચાર ધામમાં આવતા યાત્રિકોને પણ વરસાદ દરમિયાન મુસાફરી ન કરવાની, વરસાદ બંધ થાય ત્યારે જ યાત્રા શરૂ કરવાની સલાહ આપવામાં આવી છે.
 
યમનોત્રી ધામમાં ભક્તોની ભીડ ઉમટી

ઉત્તરાખંડ પોલીસે યાત્રિકોને યમનોત્રી ધામની યાત્રા હાલ પુરતી મુલતવી રાખવાની અપીલ કરી છે. ઉત્તરાખંડ પોલીસના જણાવ્યાં અનુસાર, શ્રદ્ધાળુઓ તેમની ક્ષમતા મુજબ યુમનોત્રી પહોંચી ગયા છે. જે ભક્તો આવવાના છે તેઓએ હાલ માટે યાત્રા મોકૂફ રાખવી જોઈએ.

યમુનોત્રી ધામના દરવાજા ખુલતાની સાથે જ પદયાત્રી માર્ગ પર ભક્તોથી જામ થઈ ગયો હતો. ઘણા કલાકો સુધી ધક્કામુક્કી વચ્ચે ભક્તો પોત પોતાના સ્થાને ઉભા રહ્યા હતી. આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના થઈ શકે છે. તેમ છતાં પોલીસ અને પ્રશાસન ભીડને નિયંત્રિત કરી રહી છે. પ્રશાસન માટે આટલી સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓને કાબૂમાં રાખવું મુશ્કેલ બની ગયું હતું.

હવામાન પ્રમાણે કપડાં રાખો

ચમોલી, બદ્રીનાથ અને જોશીમઠમાં અવાર-નવાર વરસાદ પડી રહ્યો છે. જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ચાર ધામ તીર્થયાત્રાએ જતા લોકોએ પોતાની સાથે ગરમ વસ્ત્રો અવશ્ય લેવા જોઈએ. વિવિધ ઋતુઓ અનુસાર પેકિંગ. થર્મલ, સ્વેટર, જેકેટ અને શાલ વગેરે સાથે રાખો. વરસાદનો સામનો કરવા માટે રેઈન કોટ, વોટરપ્રૂફ બેગ, પેન્ટ અને જેકેટ વગેરે સાથે રાખો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526