કપડવંજ- નડિયાદ હાઇવે પર આવેલી કેનાલમાં માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું, લાશો કાઢવાના પૈસા માંગ્યાં

09:35 AM Jul 16, 2026 | gujaratpost

શરમ કરો... કપડવંજ કેનાલમાંથી એક લાશ બહાર કાઢવા રૂ. 15 હજાર માંગ્યા 

કપડવંજ નડિયાદ હાઇવે પર કેનાલમાં એક માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું

ફાયર વિભાગે તરવૈયાની ટીમ ન હોવાનું કહીને બહિયલથી પ્રાઇવેટ માણસો બોલાવ્યાં 

એક લાશના રૂ. 15 હજાર મુજબ 3 લાશના 45 હજાર રૂપિયા માંગ્યા 

પ્રાઇવેટ માણસોએ અંતે ખર્ચાના રૂ. 4,500 લઇને કોઇ કામગીરી ન કરી 

ફાયર બ્રિગેડે સ્ટાફનો અભાવ બતાવ્યો

ખેડા : કપડવંજ નડિયાદ હાઇવે પર આવેલી કેનાલમાં એક માતાએ બે બાળકો સાથે ઝંપલાવ્યું હતું. આ ઘટનાની જાણ થતાં પરિવારજનો સહિત સ્થાનિકો કેનાલ પર દોડી આવ્યાં હતા. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મહિલા અને તેના બંને બાળકો નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિક તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરાઈ હતી. જો કે મોડી રાત સુધી કોઈ ભાળ મળી ન હતી.

જાલાભાઇની મુવાડી દીકરી અને મહુવા તાલુકાના મહીસા ગામે પરણાવેલા ભાવનાબેન ચૌહાણે પોતાના સાસુ સસરાના ત્રાસથી કંટાળીને પુત્રી નિત્યા (ઉ.વ-4) અને પુત્ર પિયુષ (ઉ.વ-6) સાથે કેનાલમાં ઝંપલાવ્યું હતું. મહિલાના પિતાએ જણાવ્યું કે સાસુ સસરાના ત્રાસને કારણે તેમની દીકરીએ નહેરમાં ઝંપલાવ્યું છે.

પરિણીત મહિલાના પિતા જુવાનસિંહે જણાવ્યું કે, મારી દીકરી મારો ભાણો અને ભાણી નહેરમાં પડ્યા છે. હુ નોકરી ગયો હતો મને ખબર પડી કે મારી બીજી દીકરીને જમાદારે ફોન કર્યો કે તમારા ત્રણ વ્યક્તિ નહેરની અંદર પડ્યા છે. એટલે અમને ફોન કર્યો એટલે હું આવ્યો છું. એના સાસુ સસરાના કકળાટને લીધે તેમને આ પગલું ભર્યું છે.

ફાયર વિભાગે તરવૈયાની ટીમ ન હોવાનું કહીને બહિયલથી પ્રાઇવેટ માણસો બોલાવ્યાં હતા. એક બોડીના રૂ. 15 હજાર મુજબ 3 બોડીના 45 હજાર રૂપિયાનો ચાર્જ જણાવ્યો હતો.જો કે પ્રાઇવેટ માણસો પણ રૂ. 4,500 લઇને કોઇ કામગીરી વિના માત્ર સ્થળ જોઇ પરત ફર્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.