પાકિસ્તાનમાં 9 બસ મુસાફરોનું અપહરણ કરીને કરાઇ હત્યા, લાહોર જતી બસને રોકીને ઘટનાને આપ્યો અંજામ

11:21 AM Jul 11, 2025 | gujaratpost

બલુચિસ્તાનઃ પાકિસ્તાનમાં હુમલાખોરોએ એક ચાલતી બસ રોકીને તેમાં સવાર 9 મુસાફરોનું અપહરણ કર્યું હતુ અને બાદમાં તેમની હત્યા કરી દીધી. આ ઘટના બલુચિસ્તાનના ઝોબ વિસ્તારમાં બની હતી. પાકિસ્તાનના જીઓ ટીવી અનુસાર બલુચિસ્તાનમાં આ એક ભયાનક આતંકવાદી ઘટના છે, જ્યાં કાલેટાથી લાહોર જઈ રહેલી એક પેસેન્જર બસને N-40 રૂટ પર સશસ્ત્ર હુમલાખોરોએ રોકી હતી. આ પછી બંદૂકધારીઓએ બસમાં મુસાફરોના ઓળખપત્રો તપાસ્યા અને પંજાબ પ્રાંતના નવ પુરુષ મુસાફરોને પસંદ કરીને અપહરણ કર્યા બાદમાં તેમની હત્યા કરવામાં આવી છે.

અપહરણના 1 કલાક પછી મૃતદેહો મળી આવ્યાં

અપહરણ કરાયેલા મોટાભાગના મુસાફરો મંડી બહાઉદ્દીન, ગુજરાંવાલા અને વઝીરાબાદના રહેવાસી તરીકે ઓળખાયા છે. અપહરણ થયાના એક થી દોઢ કલાકમાં તેમના મૃતદેહો નજીકના પહાડી વિસ્તારમાં પુલ નીચે મળી આવ્યાં હતા. તે બધાને નજીકથી ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક ડેપ્યુટી કમિશનર હબીબુલ્લાહ મુસાખેલના જણાવ્યા અનુસાર, હુમલાખોરોની સંખ્યા લગભગ 10 થી 12 હતી. તેમણે સુરક્ષા દળો પર રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG) અને ઓટોમેટિક હથિયારોથી પણ હુમલો કર્યો અને પછી ભાગી ગયા હતા. સુરક્ષા દળોએ પીછો કર્યો પરંતુ હુમલાખોરો હજુ પણ ફરાર છે.

પાકિસ્તાન સરકાર આ ઘટનાની નિંદા કરી 

પાકિસ્તાન સરકાર અને બલુચિસ્તાન પ્રશાસને તેને એક સુનિયોજિત આતંકવાદી હુમલો ગણાવ્યો છે અને તેની સખત નિંદા કરી છે. પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે મૃતકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી અને ગુનેગારોને જલ્દી પકડીને કડક સજા આપવાનું વચન આપ્યું છે. નોંધનીય છે કે સરકારે N-70 રૂટ પર રાત્રિના સમયે મુસાફરોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને સુરક્ષા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs) લાગુ કર્યા હતા. તેમ છતાં આટલી મોટી ભૂલ સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઉભા કરી રહી છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++