(file photo)
અમદાવાદઃ રાજ્યમાં નશા માટે વપરાતી સિરપનું વેચાણ વધી રહ્યું છે, ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDCA) એ હવે કડક કાર્યવાહી શરૂ કરી છે. તંત્ર દ્વારા અમદાવાદમાં ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતા 8 મેડિકલ સ્ટોર્સ પર દરોડા પાડ્યાં હતા. નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ આ તમામ સ્ટોર્સને નોટિસ ફટકારીને તાત્કાલિક ખુલાસો માંગવામાં આવ્યો છે.
અમદાવાદના ઘાટલોડિયા, સેટેલાઇટ, વેજલપુર અને પ્રહલાદનગર વિસ્તારમાં આવેલા 8 મેડિકલ સ્ટોર્સની તપાસ કરવામાં આવી હતી. જેમાં એપોલો ફાર્મસી (ઘાટલોડિયા), ક્રિષ્ના મેડિકલ (ઘાટલોડિયા), સોલક્યોર ફાર્મસી (સેટેલાઇટ),નમનીધી ફાર્મા (સેટેલાઇટ), નમ: વેલનેસ (સેટેલાઇટ), નટરાજ મેડિકલ સ્ટોર્સ (સેટેલાઇટ), એપોલો ફાર્મસી (વેજલપુર), એપોલો ફાર્મસી (પ્રહલાદનગર) નો સમાવેશ થાય છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અનેક સ્ટોર્સ સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરીને પ્રિસ્ક્રિપ્શન વગર બેફામ કફ સિરપ વેચી રહ્યાં છે. 8 મેડિકલ સ્ટોર્સમાંથી 5 મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કફ સિરપનું વેચાણ થતું હતું. અન્ય 3 સ્ટોર્સમાંથી 2માં ફાર્માસિસ્ટ હાજર હતા અને 1 સ્ટોર તપાસ સમયે બંધ હતો.
FDCA દ્વારા આ તમામ 8 મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગવામાં આવ્યો છે. સ્ટોર્સ તરફથી ખુલાસો આવ્યા બાદ નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/