અમદાવાદ અને મુંબઈ સહિત 7 સ્થળોએ ઇડીના દરોડા, રૂપિયા 13.50 કરોડની રકમ જપ્ત

11:41 AM Dec 08, 2024 | gujaratpost

મુંંબઇઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના મુંબઈ ઝોને અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને 13.50 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. આ રોકડ જપ્તી નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકના એક કેસ સાથે સંબંધિત છે.

આ કેસમાં માલેગાંવની નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક (NAMCO બેંક) સાથે જોડાયેલા રૂ.196 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામેલ છે. આ તપાસ નાસિકના માલેગાંવ ચવાણી પોલીસ સ્ટેશનમાં 7 નવેમ્બરના રોજ નોંધાયેલી પોલીસ ફરિયાદ પર થઇ રહી છે. NAMCO બેંકમાં નવા ખોલવામાં આવેલા 14 ખાતાઓમાં રૂ. 100 કરોડથી વધુની શંકાસ્પદ ડિપોઝીટને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

સિરાજ અહેમદ મોહમ્મદ હારુન મેમણ સહિતના આરોપીઓએ ગેરકાયદેસર ભંડોળ ટ્રાન્સફર કરવા માટે નકલી દસ્તાવેજોનો ઉપયોગ કર્યો હતો. તપાસકર્તાઓને બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં આવા પાંચ ખાતા મળ્યાં છે.

એજન્સીએ જણાવ્યું કે NAMCO બેંકના 14 ખાતાઓ અને બેંક ઓફ મહારાષ્ટ્રના પાંચ ખાતામાંથી 21 સોલ પ્રોપરાઈટરશિપ ખાતાઓમાંથી વ્યવહારો થયા હતા. EDની તપાસમાં બહાર આવ્યું છે કે આ ખાતાઓમાંથી મોટી રકમની રોકડ ઉપાડી લેવામાં આવી હતી.

એજન્સીનો આરોપ છે કે ચેલેન્જર કિંગ અથવા એમડી તરીકે ઓળખાતા મેહમૂદ ભગાડની સૂચના પર નાગની અકરમ મોહમ્મદ શફી અને વાસીમ વલીમોહમદ ભેસાણિયા નામના બે વ્યક્તિઓએ રોકડ ઉપાડી લીધી હતી અને અમદાવાદ, મુંબઈ અને સુરતના હવાલા ઓપરેટરોને આપી હતી.  આ બંને શખ્સોની પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), 2002ની કલમ 19 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ EDએ મુંબઈ, સુરત, અમદાવાદ અને નાસિકમાં 25 સ્થળોએ સર્ચ હાથ ધર્યું હતું, દસ્તાવેજો, ડિજિટલ પુરાવા, ફિક્સ્ડ ડિપોઝિટ અને રૂ. 5.2 કરોડના બેંક બેલેન્સ જપ્ત કર્યાં હતા. જેપી નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે હવાલા નેટવર્ક દ્વારા નાણાં મોકલવામાં આવ્યાં હતા. જે મામલે કાર્યવાહી ચાલી રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++