વડોદરામાં એક સાથે 40 હજાર ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘુમ્યા, ડ્રોન કેમેરામાં કેદ થયો અદ્ભૂત નજારો- Gujarat Post

12:17 PM Oct 03, 2022 | gujaratpost

વડોદરામાં ગરબામાં ગાયક અતુલ પુરોહીતના ગરબાએ ધૂમ મચાવી  

ખેલૈયાઓ ગરબાના તાલે ઘૂમ્યાં

નવરાત્રી એ મા જગદંબાની આરાધનાનો પર્વ 

વડોદરાઃ નવરાત્રીના મહાપર્વની ધૂમ મચી છે. ખેલૈયાઓ મનમૂકીને ગરબે ઘૂમી રહ્યાં છે. તેમાં પણ ખાસ કરીને મહાનગરોના ગરબા લોકોનું મન મોહી રહ્યાં છે. ગુજરાતના ગરબાએ માત્ર ગુજરાતીઓને જ નહીં પરંતુ વિદેશીઓને પણ ઘેલું લગાડ્યું છે. દર વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં વિદેશી સહેલાણીઓ ગરબાની મોજ માણવા ગુજરાતમાં આવતા હોય છે. ગુજરાતના સૌથી મોટા ગરબા તરીકે પ્રખ્યાત વડોદરામાં યુનાઈટેડ વે ગરબાનો ડ્રોન કેમેરા દ્વારા નજારો કેદ કરાયો હતો. 

વડોદરાના સૌથી મોટા યુનાઈટેડ વે ગરબામાં સાતમા નોરતે 40 હજારથી વધુ ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓ ટ્રેડીશનલ આઉટફીટમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રંગબેરંગી વસ્ત્રોથી સજ્જ થઈને ખેલૈયાઓ મન મૂકીને મેદાનમાં ઝૂમતા નજરે પડ્યા હતા. અર્વાચીન ગરબાની પરંપરામાં ખેલૈયાઓ ગ્રુપમાં ગરબાના સ્ટેપ કરતા જોવા મળ્યાં હતા. ડ્રોન વીડિયોમાં અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. 

વડોદરામાં ગાયક અતુલ પુરોહીતના ગરબાએ એવું ઘેલુ લગાડ્યું હતું કે તમામ લોકો ગરબાના તાલે ઘૂમ્યા હતા. નવરાત્રીએ મા જગદંબાની આરાધનાનો પર્વ છે. પ્રાચીન ગરબાની પરંપરામાં લોકો દ્વારા અર્વાચીન પરંપરાનું અદ્ભૂત મિશ્રણ જોવા મળી રહ્યું છે.  ટ્રેડીશનલ લૂકમાં જોવા મળતા ખેલૈયાઓથી એ પુરવાર થાય છે કે પોતાના કલ્ચર પ્રત્યે આધુનિક પેઢી એટલી જ સજાગ છે જેટલી પહેલાના ગરબામાં હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat