મોટી તબાહી.. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યાં બાદ 50થી વધુ લોકો ગુમ, પીએમ મોદીએ CM ધામી સાથે કરી વાત

10:51 AM Aug 06, 2025 | gujaratpost

દેહરાદૂન: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં મંગળવારે બપોરે વાદળ ફાટતાં ખીર ગંગા નદીમાં અચાનક પૂર આવતા ધરાલી કસ્બામાં ભારે તબાહી મચી હતી. 8,600 ફૂટની ઊંચાઈ પર આવેલા આ પર્યટન સ્થળમાં તેજ પ્રવાહને કારણે બજારમાં આવેલી અનેક હોટેલો અને રહેણાંક ઈમારતો પળવારમાં તણાઈ હતી. અત્યાર સુધીમાં ચાર લોકોનાં મોત થયાં છે અને લગભગ 50 થી વધારે લોકો ગુમ થયા હોવાની કે કાટમાળ નીચે ફસાયા હોવાની આશંકા છે. અંદાજે 25 જેટલી હોટેલ, ગેસ્ટ હાઉસ અને ઘર સંપૂર્ણપણે નાશ પામ્યાં છે.

જિલ્લા પ્રશાસન, SDRF અને NDRFની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગી છે. હરિદ્વાર, નૈનીતાલ અને ઉધમ સિંહ નગર સહિત રુદ્રપ્રયાગ, ચમોલી, બાગેશ્વર અને પિથોરાગઢમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ધરાલીમાં આ દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરીને વર્તમાન સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. આ દરમિયાન, રાહત અને બચાવ કાર્યની પણ જાણકારી લેવાઇ રહી છે. CM ધામીએ વડાપ્રધાનને જણાવ્યું કે રાજ્ય સરકાર રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે. સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ તમામ સંબંધિત એજન્સીઓ સાથે કામ કરી રહી છે. વડાપ્રધાન મોદીએ કેન્દ્ર સરકાર તરફથી દરેક સંભવ મદદની ખાતરી આપી છે.

ઉત્તરકાશીના ધરાલીમાં ચારેય બાજુ તબાહીના નિશાન જોવા મળી રહ્યાં છે. ધરાલી ગામથી લગભગ 35 કિલોમીટર દૂર ભટવારી વિસ્તારમાં હાજર એક પત્રકારે વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપી હતી. આ દુર્ઘટના બાદ બચાવ કાર્યમાં સૌથી મોટો પડકાર હવામાન છે. હવામાન ખૂબ જ ખરાબ છે અને ભારે વરસાદ થઈ રહ્યો છે. ઉપરાંત, ધરાલી ગામ સુધી પહોંચવાના રસ્તામાં ઘણાં ભૂસ્ખલન થયા છે, જેના કારણે NDRF અને ITBPની ટીમોને આગળ વધવામાં મુશ્કેલી પડી રહી છે.