ભાવનગરઃ શહેરમાં એસ.ટી. ડેપોમાં મહિલા મુસાફર પાસેથી યુરિનલના ગેરકાયદેસર પાંચ રૂપિયા લેવામાં આવતા મહિલા મુસાફરે અધિકારીને ફરિયાદ કરી છે. ડેપો મેનેજરે કોન્ટ્રાક્ટરને 500 રૂપિયાના દંડ પેટે પાવતી આપી હતી. પરંતુ આ પાવતી માત્ર દેખાડા ખાતર આપી હોય તેમ આ દંડથી જ સંતોષ માન્યો હતો અને કોન્ટ્રાક્ટરે ફરીથી મુસાફરો પાસેથી પાંચ રૂપિયા લેવાનું શરૂ કર્યું હતું.
ભાવનગર શહેરને ઘણા વર્ષો બાદ તમામ સગવડભર્યું એસ.ટી. બસ સ્ટેન્ડ મળ્યું છે અને આ રાજ્ય સરકારે મુસાફરોના હિતને ધ્યાને રાખી એસ.ટી. નિગમના તમામ બસ સ્ટેન્ડોમાં મુસાફરો માટે શૌચાલયો તમામ વિના મુલ્યે કરી દેવામાં આવ્યા છે. પરંતુ ભાવનગરમાં એસ. ટી. ડેપોના અધિકારીઓની લીલીયાવાડી સામે આવી છે અને અધિકારીઓની રહેમરાહે ડેપોમાં સફાઇ કોન્ટ્રાક્ટર મુસાફરો પાસેથી યુરીનલ માટે પાંચ રૂપિયા વસુલ કરે છે.
ભાવનગર એસ.ટી. ડેપોમાં એક મહિલા મુસાફર પાસેથી યુરીનલના પાંચ રૂપિયા લેવામાં આવતા મહિલા મુસાફરે યુરીનલ વિના મુલ્યે હોવા છતાં રૂપિયા લેવાતા ફરિયાદ કરી હતી. જેના જવાબમાં કોન્ટ્રાક્ટરે પાંચ રૂપિયા ફરજીયાત આપવા પડશે તેમ કહી, ઉચ્ચ અધિકારીઓને ફરીયાદ કરવી હોય તો કરી લો તેમ કહી મહિલા મુસાફરને ધમકાવી હતી.
જેને લઇ મહિલા મુસાફરે એસ.ટી. ડેપોના મેનેજરને ફરિયાદ કરતા ડેપો મેનેજર કોન્ટ્રાક્ટરને 500 રૂપિયાનો દંડ કર્યો હતો. પરંતુ આ દંડ ભર્યાના થોડાક જ કલાકોમાં કોન્ટ્રાક્ટરે ફરી ગેરકાયેદસર ઉઘરાણી શરૂ કરી દીધી હતી. થોડા મહિનાઓ અગાઉ પણ મુસાફરો દ્વારા યુરીનલમાં લેવાતા રૂપિયા મામલે ડેપો મેનેજરને ફરિયાદ કરવામાં આવી હતી. તે સમયે શૌચાલયોની બહાર વિના મુલ્યે ઉપયોગ કરવાના બોર્ડ લગાવી દેવાયા હતા. પરંતુ ફરી અધિકારીઓએ કોન્ટ્રાક્ટરો સાથે મીલીભગત ગોઠવી હોય તેમ વિના મુલ્યેના બોર્ડને હટાવી ફરી મુસાફરોને લૂંટવાનું શરૂ કરી દેવાયુ હતું.