ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં

11:13 AM Nov 16, 2024 | gujaratpost

ઉત્તર પ્રદેશઃ ઝાંસીમાં મહારાણી લક્ષ્મીબાઈ મેડિકલ કોલેજના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં લાગેલી ભીષણ આગમાં 10 બાળકોનાં મોત થયા છે, જ્યારે 16 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. શોર્ટ સર્કિટને કારણે આ દુર્ઘટના બની હતી. આગને કારણે હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો અને દર્દીઓ જીવ બચાવવા દોડવા લાગ્યાં હતા, પરિણામે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચીને 37 બાળકોને સુરક્ષિત બહાર કાઢ્યાં હતા. એનઆઈસીયુમાં કુલ 54 બાળકોને દાખલ કરવામાં આવ્યાં હતા. તેમાંથી 10 બાળકોનાં મોત થઇ ગયા છે.

ઝાંસીના જિલ્લા મેજિસ્ટ્રેટે કહ્યું કે શોર્ટ સર્કિટ આગનું કારણ હોઈ શકે છે. આ મામલે ઝીણવટભરી તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટનાને હૃદયદ્રાવક ગણાવી છે અને ઘાયલોને સારી સારવાર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

જિલ્લા મેજિસ્ટ્રેટ અને સંબંધિત અધિકારીઓને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાન શ્રી રામને પ્રાર્થના કરું છું કે તેઓ મૃતકોના આત્માને શાંતિ આપે અને ઘાયલો ઝડપથી સાજા થાય. મુખ્યમંત્રીએ ડિવિઝનલ કમિશનર અને ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (ડીઆઈજી) પાસેથી 12 કલાકમાં વિગતવાર રિપોર્ટ માંગ્યો છે.

સીએમ યોગીએ નિર્દેશ આપ્યો છે કે વહીવટીતંત્રે તાત્કાલિક મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50 હજાર રૂપિયાની સહાય પૂરી પાડશે.

PMએ X પર લખ્યું હૃદયદ્રાવક ! ઉત્તર પ્રદેશના ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના હૃદયદ્રાવક છે. જેઓએ પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યાં છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યું છે.

પીડિત પરિવારો શોકમાં ડૂબી ગયા છે. પોતાના બાળકોના મોતથી પરિવારોમાં માતમ છવાઇ ગયો છે. અકસ્માત સમયે વોર્ડમાં લગભગ 50 બાળકો હતા. આગ લાગતા જેના બાળકો હતા તે લોકો અંદર ઘૂસી ગયા હતા અને બાળકોને બચાવ્યા હતા. મુખ્ય દરવાજેથી કોઈ જવા માટે સક્ષમ ન હતું, તેથી તેઓએ ઇંટો અને પથ્થરો વડે બારી તોડીને બાળકોને બચાવ્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++