આખરે ભાજપ સરકારે સ્વીકારી લીધું કે જમીન કૌભાંડ થયું છે
સુરત કલેકટરે મગોબની જમીનની કાચી નોંધ રદ્દ કરીને તપાસ શરૂ કરી
શું ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારી બચી જશે ? માત્ર એસ.જે.કથળિયાની બદલી અને દર્શન પટેલ સસ્પેન્ડ
ઉચ્ચ અધિકારીની સંડોવણી વગર આ કૌભાંડ શક્ય છે ખરું ?
સરકારે કૌભાંડીઓ સામે દાખલો બેસે તેવી કાર્યવાહી કરવી જોઇએઃ ડો.મનિષ દોષી
સુરતઃ સંસ્થાની ગોચરની જમીન કોઇ પણ મંજૂરી વગર અન્ય લોકોને વેંચી નાખવાના રૂ.100 કરોડના કૌભાંડમાં માત્ર બદલીઓથી કામ ચાલવાનું હોય તેમ લાગી રહ્યું છે, સુરત કલેકટરે આ જમીનની નોંધ રદ્ કરીને તપાસના આદેશ આપ્યાં છે, પરંતુ આ કૌભાડમાં ગાંધીનગર બેઠેલા ઉચ્ચ અધિકારીની સંડોવણીની કોઇ તપાસ થાય તેમ લાગતું નથી, હાલમાં એસ.જે.કળથિયાએ, મદદનીશ નોંધણી સર નિરીક્ષકની સુરતથી બનાસકાંઠામાં બદલી કરી નાખવામાં આવી છે, જેઓએ ગાંધીનગરના એક ઉચ્ચ અધિકારીની મદદથી આ કૌભાંડ કરી નાખ્યું હોવાના આક્ષેપો છે.
શું છે રૂ.100 કરોડની ગોચરની જમીનનું કૌભાંડ ?
પુના તાલુકાના મગોબ ગામની સર્વે નંબર 3- બ, બ્લોક નંબર 156 પૈકી 1, ક્ષેત્રફળ 7891 ચો.મીટર (કોતર, ઢોર ચરણ માટેની) જમીનનો ખેલ પાડી દેવામાં આવ્યો, મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા રાજેન્દ્રસિંહ પ્રતાપતિંહ ગોહિલ અને સંસ્થાના અન્ય પાંચ લોકોએ એક નકલી ઠરાવ ઉભો કરીને આ કરોડો રૂપિયાની જમીનનો સોદો કરી નાખ્યો. રાજેન્દ્રસિંહ ગોહિલ, જમીન લેનારા કેતનસિંહ ફતેસિંહ ગોહિલ અને મહેશ બારોટ સામે તાત્કાલિક સરકારે તપાસ કરવી જોઇએ. સર્વે નંબર 156 પૈકી 1 ની આ જમીન વર્ષોથી મગોબ ગામ સમસ્તના વહીવટકર્તા કમિટીના નામે હતી, બાદમાં નહેર માટે તેને સંપાદન કરાઇ હતી, પછી ફરીથી આ જમીન મગોબ ગામ સમસ્તના વહીવટકર્તાઓના નામે થઇ હતી અને થોડા સમય પહેલા જ તે ખાનગી વ્યક્તિઓના નામે કરી દેવામાં આવી હતી.
ગ્રામ પંચાયત કે ચેરિટી કમિશનરની મંજૂરી લીધા વગર આ જમીન વેંચાઇ ગઇ હતી. ગૌચરની જમીનના ખોટા ઠરાવો બનાવાયા હતા અને 24 કરોડ રૂપિયાની જમીન બતાવીને 1.70 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યૂટી ભરીને દસ્તાવેજ થઇ ગયો હતો. સરકારનો રજિસ્ટ્રાર વિભાગ, સુરત નવાગામ સબ રજિસ્ટ્રાર, મહેસૂલ વિભાગ અને ગ્રામ પંચાયતની કામગીરી સામે સવાલ ઉભા થયા છે.
શું કોઇ ઉચ્ચ અધિકારીની સંડોવણી વગર આ કૌભાંડ શક્ય છે ??
સુરત જિલ્લાના તત્કાલિક નિરીક્ષક સતિષ કળથિયાએ તેમના મળતિયા કલાર્ક દર્શન પટેલને સબ રજિસ્ટ્રાર નવાગામનો ચાર્જ આપીને આ ખેલ પાર પાડ્યો હતો, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કોઇ ઉચ્ચ અધિકારીની સંડોવણી વગર આટલું મસમોટું કૌભાંડ શક્ય છે ખરું ?? IAS જેનુ દેવન મુખ્ય નિયંત્રણ મહેસૂલ અધિકારી, સુપ્રિ.ઓફ સ્ટેમ્પ્સ અને નોંધણીસર નિરીક્ષકે માત્ર કળથિયાની બદલી કરીને સંતોષ માની લીધો હોય તેમ લાગે છે, ખરેખર તો આ કેસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે IAS જેનુ દેવન સામે પણ તટસ્થ તપાસ કરવી જોઇએ. કારણ કે ચર્ચાઓ છે કે કળથિયાને સમજાવી દેવામાં આવ્યાં છે કે હમણાં માત્ર તમારી બદલીનું નાટક કરાયું છે અને પછી થોડા જ સમયમાં લોકો આ કૌભાંડ ભૂલી જશે ત્યારે તમને સારી જગ્યાએ પોસ્ટીંગ મળી જશે. જેથી હાલમાં મોઢું પણ બંધ રાખવું.
કોંગ્રેસે તમામ ભ્રષ્ટ અધિકારીઓ-કર્મચારીઓ સામે તપાસની માંગ કરી
આ કેસમાં એસીબીની પણ એન્ટ્રી થવી જરૂરી છે
ટીપી 64 પર આવેલી કરોડો રૂપિયાની કિંમતની ગોચરની જમીન ખોટી રીતે વેંચી મારવામાં આવી હોવાનું આ કૌભાંડ સામે આવ્યાં બાદ કોંગ્રેસે ફરી એક વખત ભાજપ સરકારની ઝાટકણી કાઢી નાખી છે, કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો. મનિષ દોષીએ માંગ કરી છે કે કરોડો રૂપિયાના આ જમીન કૌભાંડમાં સંડોવાયેલા કોઇ ઉચ્ચ આઇએએસ અધિકારી હોય કે કોઇ કર્મચારી કે પછી રાજનેતા, તમામ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઇએ. સરકારે ભ્રષ્ટ અધિકારીઓને ઘરભેગા કરીને એક દાખલો બેસાડવો જોઇએ, સાથે જ આ ભ્રષ્ટાચારની તપાસ એસીબીને તાત્કાલિક સોંપવી જોઇએ, અગાઉ સુરત એરપોર્ટ પાસેની અંદાજે 2,000 કરોડ રૂપિયાના જમીન કૌભાંડમાં તત્કાલિક કલેક્ટર આયુષ ઓકને સસ્પેન્ડ કરાયા હતા, ગાંધીનગર જમીન કૌભાંડમાં તત્કાલિક કલેક્ટર એસ.કે.લાંગાને ઘરભેગા કરાયા હતા, ત્યારે સુરતના આ નવા જમીન કૌભાંડમાં પણ કોઇ ઉચ્ચ અધિકારીને બક્ષવા જોઇએ નહીં.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/