Fact Check: રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત વખતે લોકોએ ગો બેકના નારા લગાવ્યાં હોવાનો વીડિયો ખોટો છે, આ છે હકીકત

03:19 PM Jul 11, 2024 | gujaratpost

(રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતની તસવીર)

Gujarat Post Fact Check: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 8 જુલાઈ, 2024ના રોજ હિંસાગ્રસ્ત મણિપુરમાં ચૂરાચંદપુર, મોઇરાંગ અને જીરીબામમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. આ પછી સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીનો એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મણિપુરના લોકોએ રાહુલ ગાંધીની સામે 'રાહુલ ગાંધી ગો બેક'ના નારા લગાવ્યાં છે. જો કે, તપાસ કરતાં અમને જાણવા મળ્યું કે આ વીડિયો આસામનો છે અને ઘણો જૂનો છે.

9 જુલાઈ, 2024ના રોજ પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધી ભીડમાંથી બહાર નીકળતા જોવા મળે છે. વીડિયોમાં લોકો 'રાહુલ ગાંધી ગો બેક'ના બેનર પકડેલા જોવા મળે છે. પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સમાંથી ભાગી ગયા. રાહુલ ગાંધી મણિપુરના લોકોને મળવા માટે પ્રવાસ પર હતા, પરંતુ મણિપુરના લોકોએ ‘રાહુલ ગાંધી ગો બેક’ના નારા લગાવ્યાં. તેમની સામેનો વિરોધ જોઈને રાહુલ ગાંધી દરવાજામાંથી બહાર નીકળી ગયા.

અમારા ફેક્ટ ચેક દરમિયાન આ વીડિયો મણિપુરનો નહીં આસામનો હોવાનું જાણવા મળ્યું. આસામમાં નાગાંવના અંબાગન વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ 'રાહુલ ગાંધી ગો બેક' અને 'અન્યયા યાત્રા'ના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા માટે આસામમાં હતા, ત્યારે મોડી સાંજે નાગાંવના અંબાગન વિસ્તારમાં સ્થાનિક લોકોએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકોએ 'રાહુલ ગાંધી ગો બેક' અને 'અનયા યાત્રા'ના નારા લગાવ્યાં હતા. આમ, અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે વાયરલ વીડિયો રાહુલ ગાંધીની તાજેતરની મણિપુર મુલાકાતનો નથી. આ જૂનો વીડિયો આસામનો છે.