SCO સમિટમાં પીએમ મોદીની જિનપિંગ સાથે એક કલાક બેઠક, અમેરિકાની નારાજગી આવી સામે- Gujarat Post

12:55 PM Aug 31, 2025 | gujaratpost

અમેરિકાએ લગાવેલા ટેરિફ બાદ આ મુલાકાત ખૂબ મહત્વની છે 

સમગ્ર વિશ્વની નજર આ મુલાકાલ પર છે

બેઇજિંગ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ પછી ચીન પહોંચ્યાં હતા. SCO સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમેરિકાએ ભારત, ચીન સહિત અનેક દેશો પર લાદેલા ટેરિફને કારણે સમગ્ર વિશ્વની નજર આ સમિટ પર છે. આ SCO મંચ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક કલાક મુલાકાત થઇ છે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ તેમને મળશે. ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓને કારણે ભારત-અમેરિકા સંબંધોમાં અચાનક આવેલી નબળાઈને જોતા પીએમ મોદીની ચીન યાત્રા વધુ મહત્વની બની ગઈ છે.

મોદીને મળીને આનંદ થયો, બેઠક પછી શી જિનપિંગે કરી આ વાત 

તિયાનજિનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની મુલાકાત થઈ છે. બેઠક દરમિયાન શી જિનપિંગે કહ્યું, પીએમ મોદી, તમને ફરીથી મળીને આનંદ થયો. હું SCO સમિટ માટે ચીનમાં તમારું સ્વાગત કરું છું. ગયા વર્ષે કાઝાનમાં અમારી સફળ મુલાકાત થઈ હતી. આ મુલાકાત લગભગ એક કલાક ચાલી. પીએમ મોદી સાથે NSA અજિત ડોભાલ, વિદેશ સચિવ વિક્રમ મિશ્રી, ચીનમાં ભારતના રાજદૂત પ્રદીપ રાવત, સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા) ગૌરાંગ લાલ દાસ અને PMOના અધિક સચિવ દીપક મિત્તલ હાજર હતા.શી જિનપિંગ સાથે વિદેશ મંત્રી વાંગ યી, પ્રધાનમંત્રી લી કિયાંગ, કાર્યાલયના મહાનિર્દેશક કાઈ ચી અને ભારતમાં ચીનના રાજદૂત શુ ફેઈહોંગ પણ હતા.

વડાપ્રધાન મોદી 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે શાંઘાઈ સહયોગ સંગઠનના વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન ગયા છે. વડાધાન મોદી છેલ્લે જૂન 2018માં SCO શિખર સંમેલનમાં ભાગ લેવા ચીન ગયા હતા. ત્યારબાદ, ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ ઓક્ટોબર 2019માં બીજા અનૌપચારિક શિખર સંમેલન માટે ભારત આવ્યાં હતા. પરંતુ જૂન 2020માં ગલવાન ઘાટીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હતો. આ તણાવને દૂર કરવા માટે બંને દેશો તરફથી પ્રયાસો ચાલી રહ્યાં હતા. આ જ ક્રમમાં, તાજેતરમાં ચીનના વિદેશ મંત્રી વાંગ ઈએ ભારતનો પ્રવાસ કર્યો હતો.

મોદી-જિનપીંગ વચ્ચે બેઠકની મહત્વની વાતો 

- કૈલાસ યાત્રા અને હવાઈ સેવાઓ ફરી શરૂ થવા પર બંને દેશો સંમત થયા
- સરહદ પર તણાવ ઓછો થયો છે, જે શાંતિ અને સ્થિરતા માટે સહાયક છે
- 2.8 અબજ લોકોને લાભ થાય તેવો સહયોગ બંને માટે જરૂરી છે
- મોદીએ કહ્યું સંબંધો વિશ્વાસ, આદર અને સંવેદનશીલતાથી આગળ વધે
- જિનપિંગે કહ્યું ભારત અને ચીન દુનિયાના સૌથી મોટા અને પ્રાચીન દેશો છે
- શાંતિ, સમૃદ્ધિ અને વ્યૂહાત્મક ભાગીદારીને બંને નેતાઓએ મહત્વ આપ્યું.

નોંધનિય છે કે ચીન સાથેની વધતી મિત્રતાને કારણે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ભારતનો દિલ્હી પ્રવાસ રદ્ કર્યો હોવાનું સામે આવ્યું છે.તેઓ હવે ક્વાર્ડ શિખર સંમેલનમાં ભાગ લેવા ભારત આવશે નહીં.