અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ પર એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યાં એક માતાએ પોતાની બે વર્ષની દીકરી સાથે નદીમાં કૂદીને આત્મહત્યા કરી હતી. માતાનું અને દીકરીનું મોત થયું છે. આ આખો બનાવ દર્શાવતો 5 સેકન્ડનો વીડિયો જોઈને લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ગઈકાલે સાંજે લગભગ 6 વાગ્યાની આસપાસ પિન્કીબેન નામની 38 વર્ષીય મહિલાએ પોતાની બે વર્ષની દીકરી સાથે ઉસ્માનપુરા ગાર્ડન નજીક રિવરફ્રન્ટ પરથી સાબરમતી નદીમાં ઝંપલાવ્યું હતું.દીકરીને હાથમાં પકડીને માતા કૂદી હતી. નદીમાં ડૂબી જવાથી માતાનું મોત થયું અને તેમનો મૃતદેહ પાણી પર તરવા લાગ્યો. આ દરમિયાન, તેમની નાની દીકરી માતાના મૃતદેહ પર જીવતા રહેવા માટે વલખા મારી રહી હતી.
લોકોએ આ દ્રશ્ય જોતા તરત જ પોલીસ અને રિવર રેસ્ક્યૂં ટીમને જાણ કરી હતી. રેસ્ક્યૂં ટીમના ભરત માંગેલા અને તેમની ટીમે માતા-પુત્રી બંનેને નદીમાંથી બહાર કાઢ્યાં. ત્યારે બાળકી જીવિત હોય તેવું લાગતા, ભરત માંગેલાએ તેને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન) આપ્યું હતું. CPR આપતા જ બાળકી રડવા લાગી હતી. બાળકીનો જીવ બચાવવા માટે, તેને તાત્કાલિક પોલીસની ગાડીમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. રસ્તામાં એમ્બ્યુલન્સ મળતા તેને તેમાં ટ્રાન્સફર કરીને વધુ સારવાર માટે વીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન, બાળકીના ફેફસામાં પાણી ભરાઈ ગયું હોવાથી તેનું પણ મોત થયું હતું. બીજી તરફ, માતા પિન્કીબેનનું નદીમાં ડૂબી જવાથી મોત થઈ ગયું હતું. એક વીડિયોમાં માતાની લાશ પાણી પર તરી રહી છે અને બાળકી તેમની છાતી પર છે, જે આ સમગ્ર ઘટનાની કરુણતા દર્શાવે છે. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++