પોપટ સોરઠિયા કેસમાં રિબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ આત્મસમર્પણ કર્યું

07:09 PM Sep 19, 2025 | gujaratpost

રાજકોટઃ ગોંડલના ચકચારી પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગોંડલ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટે અગાઉ જે સ્ટે આપ્યો હતો તે પરત ખેંચી લેતા આજે આત્મસમર્પણ કરવું પડ્યું છે.

ગોંડલના પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયાની 15 ઓગસ્ટ, 1988ના રોજ હત્યા થઈ હતી. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. પરંતુ તેમને સરકારે સજા માફી આપી હતી, જેનો ગુજરાત હાઈકોર્ટે વિરોધ કરતા સજા માફીને ગેરકાયદેસર ઠેરવી હતી. હાઈકોર્ટે અનિરૂદ્ધસિંહને ચાર અઠવાડિયામાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો.

આ આદેશ સામે અનિરૂદ્ધસિંહે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. ગુરુવારે, 18મી સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે તેમના આત્મસમર્પણ પર એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો હતો, પરંતુ બીજા જ દિવસે, શુક્રવારે, 19મી સપ્ટેમ્બરે સામા પક્ષની અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે આ સ્ટે પરત ખેંચી લીધો હતો.

કોર્ટે અનિરૂદ્ધસિંહને રાત્રે 8 વાગ્યા સુધીમાં આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ પછી, અનિરૂદ્ધસિંહ જાડેજાએ આજે બપોરે ગોંડલ કોર્ટમાં હાજર થઈ આત્મસમર્પણ કર્યું. કોર્ટમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હાજર રહ્યા હતા અને પોલીસનો પણ મોટો કાફલો ગોઠવવામાં આવ્યો હતો.