રાજસ્થાનઃ પીએમ નરેન્દ્ર મોદીએ ફરી એક વખત પાકિસ્તાન પર પ્રહાર કર્યા છે, તેમને બિકાનેરમાં રેલીને સંબોધિત કરતા કહ્યું કે આ લોકોને ખબર નથી કે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છે.
22 એપ્રિલે આતંકીઓએ પહેલગામમાં 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાનને ભારતીય સેનાએ સબક શિખવી દીધો હતો, આતંકીઓના અડ્ડાઓ પર એર સ્ટ્રાઇક કરી હતી અને પાકિસ્તાનમાં પણ અનેક જગ્યાએ હુમલાઓનો જવાબ આપવામાં આવ્યો હતો.
મોદીનું મન ઠંડુ છે, ઠંડુ રહે છે, પણ મોદીનું લોહી ગરમ છે. હવે મોદીની નસોમાં લોહી નહીં પણ ગરમ સિંદૂર વહે છેઃ મોદી
મોદીએ કહ્યું કે 22 એપ્રિલના રોજ આતંકવાદીઓએ આપણી બહેનોને ધર્મ પૂછીને તેમના કપાળનું સિંદૂર ભૂંસી નાંખ્યું હતું, 140 કરોડ દેશવાસીઓએ સંકલ્પ કર્યો હતો કે, તેઓ આતંકવાદનો સફાયો કરશે. અમારી સરકારે સેનાને મોટી છૂટ આપી હતી. સેનાએ આતંકીઓનો ખાત્મો બોલાવી દીધો છે.
ઓપરેશનની સફળતા વિશે બોલતા પીએમએ કહ્યું કે, હું દેશવાસીઓને કહેવા માંગુ છું કે જે લોકો સિંદૂર લૂછવા માટે નીકળ્યાં હતા, તેમને ધૂળમાં મેળવી દીધા છે. ભારતમાં વહેતા લોહીના દરેક ટીપાનો હિસાબ આપવામાં આવ્યો છે. ચીન પર નિશાન સાધતા પીએમએ કહ્યું કે, જેઓ પોતાના શસ્ત્રો પર ગર્વ કરતા હતા તેઓ આજે કાટમાળના ઢગલા નીચે દટાયેલા છે. પાકિસ્તાનને ચીને જે શસ્ત્રો આપ્યાં હતા, તેનો પણ ભારતે સફાયો કરી નાખ્યો છે.