વિપક્ષોએ અનેક મુદ્દે સંસદમાં હંગામો કર્યો
નવી દિલ્હીઃ આજથી શરૂ થયેલું સંસદનું ચોમાસુ સત્ર સંપૂર્ણપણે તોફાની રહ્યું હતુ, પહેલગામ હુમલો, ઓપરેશન સિંદૂર, પાક સામેના યુદ્ધમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મધ્યસ્થીનાં દાવા, બિહાર, મણિપુરમાં મતદાર યાદીનું સઘન સંશોધન જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવામાં આવી હતી.
મંત્રી કિરેણ રિજિજુએ પહેલા કહ્યું હતુ કે સર્વપક્ષીય બેઠકમાં સરકારે સંસદની કામગીરી માટે વિપક્ષનો સહયોગ માંગ્યો હતો. આશા હતી કે આગામી સત્ર સંપૂર્ણપણે ફળદાયી રહેશે. તેમણે કહ્યું, અમે ઓપરેશન સિંદૂર સહિત કોઈ પણ વિષય પર ચર્ચાથી ભાગી રહ્યાં નથી.આ બધા વિષયો દેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, પરંતુ કોઈ પણ ચર્ચા નિયમોના દાયરામાં થશે. સર્વપક્ષીય બેઠકમાં 54 નેતાઓએ ભાગ લીધો હતો.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રેણુકા ચૌધરીએ નિયમ 267 હેઠળ 'પહલગામમાં આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા, પાકિસ્તાનમાંથી આવતા આતંકવાદ અને ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન સાથે યુદ્ધવિરામ પછી સરકારની વિદેશ નીતિ પર ચર્ચા' માટે સ્થગિત પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
રવિવારે બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકમાં, સંયુક્ત વિપક્ષે સરકાર પાસેથી માંગ કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના નિવેદનો પર દેશને જવાબ આપવો જોઈએ. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ કહ્યું કે સરકાર નિયમો મુજબ ઓપરેશન સિંદૂર સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. પીએમ મોદી પાસેથી જવાબની માંગ પર, રિજિજુએ કહ્યું કે વિદેશ પ્રવાસોને બાદ કરતાં, વડાપ્રધાન સત્ર દરમિયાન હંમેશા સંસદમાં હોય છે.
જો કે, તેમની પાસેથી હંમેશા ગૃહમાં બેસવાની અપેક્ષા રાખી શકાતી નથી. જ્યારે પણ સત્ર ચાલી રહ્યું હોય છે, ત્યારે કેન્દ્રીય પ્રધાનો તેમના વિભાગો સંબંધિત પ્રશ્નોના જવાબ આપવા માટે ઉપલબ્ધ હોય છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ ઓપરેશન સિંદૂર સહિતના મુખ્ય મુદ્દાઓ પર નિવેદન આપશે, પીએમ મોદી નહીં. આ સમય દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષને આ સંબંધિત પ્રશ્નો પૂછવાની મંજૂરી આપવામાં આવશે. વિપક્ષે બિહાર, મણિપુર, જમ્મુ-કાશ્મીરમાં મતદાર યાદીના વિશેષ સઘન સુધારણા પર ચર્ચાની માંગ પણ ઉઠાવી હતી. સરકાર મતદાર યાદીના મુદ્દા પર ચર્ચા કરશે નહીં કારણ કે તે ચૂંટણી પંચ સાથે સંબંધિત છે અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/