જયપુરઃ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના ઝાલાવાડમાં શાળાના બાળકો સાથે એક મોટી દુર્ઘટના બની છે. આ વિસ્તારમાં એક શાળાની છત તૂટી પડવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ઘણા બાળકો દટાયા હોવાની આશંકા છે. ઝાલાવાડ જિલ્લાના મનોહર પોલીસ સ્ટેશન વિસ્તારના પીપલોદીમાં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની છત અચાનક તૂટી પડી હતી. જેના કારણે વર્ગમાં હાજર વિદ્યાર્થીઓ તેની નીચે દટાયા છે.
મળતી માહિતી મુજબ, વર્ગખંડમાં લગભગ 60 બાળકો હાજર હતા, જેમાંથી પચીસ બાળકો દટાયા હોવાની આશંકા છે. આ સિવાય 4 બાળકોનું મોત નિપજ્યું છે. જોકે, હજુ સુધી મોતની સત્તાવાર માહિતી સામે આવી નથી. ઘટનાની ગંભીરતા જોતા આંકડો હજુ વધી શકે છે.
શાળાની છત ધરાશાયી થવાની ઘટના બાદ, સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાસ્થળે લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. લોકોએ કાટમાળ નીચે દટાયેલા બાળકોને બચાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે. છત ધરાશાયી થયા પછીના કાટમાળને જોતા એવું લાગે છે કે શાળા ખંડેરમાં ફેરવાઈ ગઈ છે.
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ મામલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ઝાલાવાડમાં સરકારી શાળાની ઇમારત ધરાશાયી થવાથી ઘણા બાળકો અને શિક્ષકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે. હું ભગવાનને ઓછામાં ઓછી જાનહાનિ અને ઈજાગ્રસ્તોની ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/