- વિવિધ દેશોની સરકારે આતંકી હુમલા બાદ પોતાના નાગરિકો માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા એડવાઈઝરી જાહેર કરી
- આતંકવાદીઓને શોધી કાઢવા માટે ભારતીય સેનાનું મોટાપાયે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે
- 200થી વધુ શંકમદની અટકાયત કરવામાં આવી
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો છે. પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું સીધુ કનેક્શન હોવાનો ભારતે દાવો કર્યો છે. ભારતે વિવિધ દેશોની સરકારને આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણી હોવાની ખાતરી કરતાં જરૂરી પુરાવા મોકલી આપ્યા છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા ત્રણ દિવસમાં આંતરરાષ્ટ્રીય સમુદાયને જણાવ્યું છે કે, પહેલગામ હુમલામાં આતંકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેમનો સીધો પાકિસ્તાન સાથે સંબંધ હોવાની ખાતરી થઈ છે. પ્રત્યક્ષદર્શીઓ સહિત ગુપ્ત એજન્સીઓએ ટેક્નિકલ ઈન્ટેલિજન્સ અને વિશ્વસનીય જાણકારી મારફત પુરાવા આપ્યા છે.
ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવામાં જાણવા મળ્યું છે કે, આતંકવાદી જૂથ ધ રેજિસ્ટન્સ ફ્રન્ટના ઈલેક્ટ્રોનિક પુરાવા પાકિસ્તાનમાં ઓછામાં ઓછા બે સ્થળો પરથી મળી આવ્યા છે. અમુક આંતકવાદીઓની ઓળખ કરવામાં આવી છે. તેઓ પાકિસ્તાનથી આવ્યા હતા. અને થોડા સમય પહેલાં જ ઘૂસણખોરી કરી હતી. પ્રત્યક્ષદર્શીઓએ પણ ઘૂસણખોરોની ખાતરી કરી છે.