+

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા, દીકરીની નજર સામે જ મહેસાણાના પાટીદાર વેપારીની લૂંટના ઇરાદે હત્યા

અઠવાડિયા પહેલાં જ શરૂ કરેલા સ્ટોરમાં લૂંટારુએ ગોળીઓ ધરબી મહેસાણાના આખજ ગામમાં શોકનો માહોલ લૂંટનો વિરોધ ન કર્યો છતાં લૂંટારુએ સુરેશ પટેલ પર ગોળીઓ વરસાવી મૃતક 30 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા&
  • અઠવાડિયા પહેલાં જ શરૂ કરેલા સ્ટોરમાં લૂંટારુએ ગોળીઓ ધરબી
  • મહેસાણાના આખજ ગામમાં શોકનો માહોલ
  • લૂંટનો વિરોધ ન કર્યો છતાં લૂંટારુએ સુરેશ પટેલ પર ગોળીઓ વરસાવી
  • મૃતક 30 વર્ષ પહેલાં અમેરિકા સ્થાયી થયા હતા 

મહેસાણાઃ અમેરિકામાં ભારતીયો, ખાસ કરીને ગુજરાતી વેપારીઓ પર જીવલેણ હુમલાઓ અને લૂંટની ઘટનાઓ સતત વધી રહી છે. વધુ એક ચોંકાવનારી ઘટનામાં અમેરિકાના ટેનેસી સ્ટેટના જેકસન શહેરમાં મૂળ મહેસાણા જિલ્લાના આખજ ગામના વતની અને પાટીદાર વેપારી સુરેશ પટેલની લૂંટના ઈરાદે હત્યા કરી દેવામાં આવી છે. સુરેશ પટેલે માત્ર એક સપ્તાહ પહેલાં જ પોતાનો નવો સ્ટોર શરૂ કર્યો હતો.

ગુરુવારે રાત્રે આશરે 9 વાગ્યે સુરેશ પટેલ પોતાની 19 વર્ષીય દીકરી સાથે સ્ટોર પર હાજર હતા. તે દરમિયાન એક મોઢે બુકાની બાંધેલો અજાણ્યો લૂંટારુ સ્ટોરમાં ધસી આવ્યો હતો. સુરેશ પટેલે કોઈ પણ પ્રકારનો પ્રતિકાર કે વિરોધ કર્યા વિના લૂંટારુને લૂંટ કરવા દીધી હતી જેથી કોઈ જાનહાનિ ન થાય. પરંતુ ક્રૂર લૂંટારુ લૂંટ ચલાવી પરત જઈ રહ્યો હતો ત્યારે તેણે અચાનક સુરેશ પટેલ પર અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. 19 વર્ષીય દીકરીની નજર સામે જ પિતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા અને ઘટના સ્થળે જ તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

સુરેશ પટેલ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવાર સાથે અમેરિકામાં સ્થાયી થયા હતા અને સખત પરિશ્રમ કરીને વ્યવસાય જમાવ્યો હતો. 7 દિવસ પહેલાં જ તેમણે નવો સ્ટોર શરૂ કર્યો હતો અને પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આ ઘાતકી ઘટનાએ પરિવારનો માળો વિખેરી નાખ્યો છે. સુરેશ પટેલની હત્યાના સમાચાર તેમના વતન મહેસાણાના આખજ ગામમાં પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું છે.

facebook twitter