- પહેલાં પેગમાં જ કંઈક ગરબડ લાગી છતાં પોણી બોટલ ગટગટાવી ગયો હતો
- દારૂ પીધા પછી બુટલેગરને ફોન પણ કર્યો હતો
- હેંગઓવર સમજી બીજી સવારે ફરી પીધો અને આંખે અંધાપો છવાયો
સુરતઃ ભાવનગરમાં સર્જાયેલા લઠ્ઠાકાંડથી મોતનો આંકડો વધી રહ્યો છે. આ ઝેરી દારૂ પીવાના કારણે વધુ ત્રણ લોકોના મોત થતાં સમગ્ર કાંડમાં કુલ મૃત્યુઆંક વધીને 12 પર પહોંચ્યો છે. જેમાં સુરત રહેતા સંજયસિંહ ડોડિયોનો પણ સમાવેશ થાય છે.
ભાવનગરથી સુરત આવવા નીકળેલા સંજયસિંહ ડોડિયાએ ભાવનગરની નારી ચોકડી નજીકથી બુટલેગર પાસેથી નકલી ઈંગ્લિશ દારૂની બોટલ મેળવી હતી. તેણે આ દારૂ પ્લાસ્ટિકની બોટલમાં ભરી લીધો હતો અને સુરત તરફ આવતી બસમાં સવાર થયો હતો. મુસાફરી દરમિયાન પ્રથમ પેગ પીતાં જ તેને સ્વાદ અને તાસીરમાં કંઈક અજુગતું લાગ્યું હતું, જેથી તેણે તુરંત બુટલેગરને ફોન કરીને દારૂ ખરાબ હોવાની ફરિયાદ કરી હતી. તેમ છતાં તેણે રસ્તામાં જ પોણી બોટલ જેટલો દારૂ પી લીધો હતો.
સરથાણા પહોંચ્યાં બાદ સંજયસિંહની તબિયત લથડતાં તેનો સાળો તેને મજુરાગેટ સ્થિત રૂમ પર લઈ ગયો હતો. રાત્રે 8 વાગ્યાની આસપાસ સંજયસિંહે આંખે ઓછું દેખાતું હોવાની ફરિયાદ કરી હતી, પરંતુ પરિવારે તેને સામાન્ય ગણી ગંભીરતા લીધી ન હતી.
બીજા દિવસે સવારે 10 વાગ્યે અસહ્ય માથાનો દુખાવો થતાં તેણે સામાન્ય હેંગઓવર સમજીને ભૂલથી ફરી દારૂ પી લીધો હતો. આ પછી તેની આંખોની રોશની સંપૂર્ણ ગાયબ થઈ ગઈ હતી અને અંધાપો આવી ગયો હતો. ગભરાયેલા પરિવારે તાત્કાલિક સંજયસિંહને હીરાબાગની એક હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું બ્લડપ્રેશર 250 સુધી પહોંચી ગયું હતું. ત્યાર બાદ પર્વત પાટિયાની અને અંતે ગંભીર હાલતમાં અન્ય હોસ્પિટલમાં વેન્ટિલેટર પર ખસેડાયો હતો. જ્યાં 21 ઓગસ્ટે તબીબોએ તેને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો અને 22 ઓગસ્ટે હૃદય બંધ પડી જતાં તેનું મોત નીપજ્યું હતું.