- ટ્રિગર દબાતાં જ ફસાયેલી ગોળી છૂટી
- જગને વીંધીને ગોળી 15 ફૂટ દૂર ઊભેલા નાગરિકના પેટમાંથી આરપાર નીકળી
- ઈજાગ્રસ્તની હાલત સ્થિર, બેદરકારી અંગે ગુનો નોંધાશે
સુરત: શનિવારે રાત્રે નાના વરાછા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈની સર્વિસ રિવોલ્વરમાંથી અચાનક મિસ ફાયરિંગ થતાં અફરાતફરી મચી ગઈ હતી. રિવોલ્વર સાફ કરતી વખતે છૂટેલો રાઉન્ડ ટેબલ પર મૂકેલા પાણીના જગને વીંધીને ચોકીની બહાર આશરે 15 ફૂટ દૂર ઊભેલા અરવિંદ પટેલ નામના વ્યક્તિના પેટની આરપાર નીકળી ગયો હતો.
ચોકીના દરવાજાની જમણી બાજુએ બેસીને પીએસઆઈ પી.એસ. મકવાણા પોતાની સર્વિસ રિવોલ્વર સાફ કરી રહ્યાં હતા. તે દરમિયાન અગાઉથી રિવોલ્વરમાં ફસાયેલો રાઉન્ડ અચાનક ટ્રિગર દબાતાં ફાયર થઈ ગયો હતો અને આશરે 15 ફૂટ દૂર સુધી ધસી ગયો હતો.
ઘટના બનતાં જ પીએસઆઈ મકવાણા તાત્કાલિક ઈજાગ્રસ્ત અરવિંદભાઈને પોતાના વાહનમાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. તબીબોના જણાવ્યાં મુજબ હાલ દર્દીની સ્થિતિ જોખમ બહાર છે. ડીસીપીએ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, હોસ્પિટલના મેડિકો-લીગલ કેસ રિપોર્ટ અને ડૉક્ટરોના અભિપ્રાય બાદ બેદરકારી સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરાશે.