+

જગ લાડકી ટેન્કર હોર્મુઝની ખાડી પાર કરી સુરક્ષિત બહાર નીકળ્યું, 81,000 ટન ક્રૂડ ઓઈલ ગુજરાત પહોંચશે

નવી દિલ્હીઃ  વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે. મિડલ-ઈસ્ટથી આશરે 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને નીકળેલું ટેન્કર મંગળવારે ભારત પહોંચવાનું છે.

નવી દિલ્હીઃ  વિશ્વભરમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને લઈને ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત માટે સારા સમાચાર છે. મિડલ-ઈસ્ટથી આશરે 81,000 ટન ક્રૂડ ઓઈલ લઈને નીકળેલું ટેન્કર મંગળવારે ભારત પહોંચવાનું છે. સૌથી મહત્વની વાત એ છે કે, આ ટેન્કર અત્યંત તણાવગ્રસ્ત ગણાતા રૂટ હોર્મુઝની ખાડીને સુરક્ષિત રીતે પાર કરી ચૂક્યું છે. ભારતીય ધ્વજ તિરંગા સાથેનું આ જહાજ હવે ભારતના કિનારા તરફ આગળ વધી રહ્યું છે.

જગ લાડકી નામના જહાજમાં  81,000 ટન ક્રૂડ ઓઈલનો જથ્થો છે. મુંદ્રા પોર્ટ પર આવતીકાલે જહાજ આવી પહોંચશે. જહાજ અને તેના પર સવાર તમામ ભારતીય નાવિકો સુરક્ષિત છે.

સરકારી અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ ટેન્કર 14 માર્ચના રોજ UAE થી રવાના થયું હતું. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દરિયાઈ વ્યાપાર પ્રભાવિત થયો છે, ત્યારે હોર્મુઝનો આ માર્ગ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ક્રૂડ ઓઈલ માર્ગોમાંનો એક છે. વૈશ્વિક ઓઈલના વેપારનો મોટો હિસ્સો અહીંથી પસાર થાય છે, અને આ વિસ્તારમાં કોઈ પણ તણાવ સીધી રીતે તેલની કિંમતો પર અસર કરે છે.

ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરે છે, જેમાંથી મોટો હિસ્સો મિડલ-ઈસ્ટથી આવે છે. આથી, આ રૂટ ભારતની ઉર્જા સુરક્ષા માટે અત્યંત મહત્વનો છે. રિપોર્ટ્સ મુજબ, હજુ પણ કેટલાક ભારતીય જહાજો આ રૂટ પર ફસાયેલા છે. ભારત સરકાર તેમની સુરક્ષિત અવરજવર માટે રાજદ્વારી સ્તરે સતત પ્રયત્નશીલ છે. ભારત સરકારના જણાવ્યા અનુસાર, હાલમાં દેશમાં ક્રૂડ ઓઈલની પૂરતી ઉપલબ્ધતા છે અને તમામ રિફાઇનરીઓ સામાન્ય રીતે કાર્યરત છે.

81 હજાર ટન તેલ સાથે આ ટેન્કરનું આગમન ભારત માટે મોટી રાહત સાબિત થશે, જેનાથી ઉર્જા પુરવઠા પરનો તત્કાલ દબાણ ઘટશે.

facebook twitter